Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ટીનેજરે સોશ્યલ મીડિયા પર પૂછયું, શું મારે મરી જવું જોઇએ ? ૬૯ ટકાએ હા પાડતાં આત્મહત્યા કરી લીધી

સોશ્યલ મીડિયાનું વળગણ હવે અભિશાપ બની જાય એ હદે ટીનેજરોને ભરડામાં લઇ રહ્યું છે. મલેશિયામાં ૧૬ વર્ષની એક છોકરીનો કેસ રૃંવાડા ખડા કરી દેનારો છે. તે છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેન્ડસને પુછેલું કે શું તેણે મરી જવુ  જોઇએ ? સોમવારે બપોરે ત્રણ વાગ્યે આ પોસ્ટ થઇ હતી. માનવતાને શરમાવે એવી વાત એ છે કે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવતી આ છોકરીને તેના દોસ્તોને સમજીને  ખોટું  પગલું લેતાં વારવાને બદલે ઉશ્કેરી. લગભગ ૬૯ ટકા લોકોએ તેના  મરવાના વિચારને સમર્થન આપ્યું. બસ, છોકરીએ એ જ સાંજે આઠ વાગ્યે એક સ્ટોરના ત્રીજા માળે ચડી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. એવુ  કહેવાય  છે  કે છોકરી પારિવારિક તનાવથી પરેશાન હતી. તેના સોતેલા પિતા એ વિયેતનામી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, જે ભાગ્યે જ ઘરે આવતા હતા. ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટલમાં લખ્યું હતું, '' બહુજ મહત્વપૂર્ણઃ મૃત્યુ કે જીવન ? બેમાંથી એકની પસંદગી માટે વોટ કરીને મને મદદ કરો'.

આ ઘટના પછી મલેશિયામાં હડકંપ મચી ગઇ છે. એક રાજકીય નેતાએ તો એટલે સુધી કહ્યું હતું કે જે લોકોએ તેને મોત માટે હા પાડતો વોટ આપ્યો છે તેમના વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઇએ.

(11:29 am IST)