Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

એક વર્ષ સ્માર્ટફોન વગર રહો ને જીતો ૭૧ લાખ રૂપિયા

સ્માર્ટફોનની લતથી લોકોને મુકત કરવાના પ્રયાસરૂપે

ન્યુયોર્ક તા.૧૫: નાના-મોટા બધા આજકાલ મોબાઇલની લત ધરાવે છે અને દિવસે-દિવસે એ વધતી જ જાય છે. સ્માર્ટફોનની લતથી લોકોને મુકત કરવાના પ્રયાસરૂપે કોકા કોલાના માલિકીહક હેઠળની કંપની વિટામિન વોટરે અમેરિકાના નાગરિકો માટે એક ગજબ સ્પર્ધાની જાહેરાત કરી છે. એ મુજબ જો કોઇ વ્યકિત એક વર્ષ સુધી મોબાઇલ ફોન (સ્માર્ટફોન કે ટેબ્લેટ) નો ઉપયોગ બંધ કરે તો તે એક લાખ ડોલર એટલે કે અંદાજે ૭૧ લાખ રૂપિયાનું ઇનામ જીતી શકે છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારે એક વર્ષ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરવાનો રહેશે. ઇનામ જીતતાં પહેલા સ્પર્ધકે લાઇ-ડિટેકટર ટેસ્ટમાંથી પસાર થવું પડશે, જેથી તેણે નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું એ જાણી શકાય. 'સ્ક્રોલ ફ્રી ફોર ધ યર' સ્પર્ધા હેઠળ પસંદ કરાયેલા કોઇ એક સ્પર્ધકને એક વર્ષના સેલ્યુલર પ્લાન સાથેનો ૧૯૯૬ના સમયનો સેલ્યુલર ફોન આપવામાં આવશે જેથી તે લોકોના સંપર્કમાં રહી શકે.

સ્પર્ધકે પોતાના ફોટો સાથે ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ પર તમે સ્માર્ટફોન શા માટે છોડવા માગો છો તેમ જ ફાજલ સમયનો ઉપયોગ કેવી રીતે કરશો એ પણ જણાવવાનું રહેશે. સ્પર્ધકનું સિલેકશન તેની અરજીની ક્રિએટિવિટી પર આધાર રહેશે.

આ અરજી ૨૦૧૯ની ૮ જાન્યુઆરી પહેલાં કરવાની રહેશે. પસંદગી પામેલા સ્પર્ધકોનો સંપર્ક તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા તમામે એક કોન્ટ્રેકટ કરવાનો રહેશે, જેમાં એમ જણાવાયું હશે કે તમે આવતા એક વર્ષ સુધી તમારા કે તમારા કોઇ મિત્ર કે પરિવારના સદસ્યના સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરો, એના પ્રત્યે લાગણી પ્રગટ કરતું કોઇ પણ કૃત્ય (બાથ ભીડવી કે અન્ય પ્રકારે મોબાઇલ પ્રત્યે લાગણી વ્યકત કરવી) નહી કરી શકો. આ એક વર્ષ દરમ્યાન જો કે સ્પર્ધક લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરી શકશે. ટચસ્ક્રીનવાળો સ્માર્ટફોન વાપર્યા વિના છ મહિના પણ વિતાવ્યા તો તે સ્પર્ધક ૧૦,૦૦૦ ડોલર એટલે કે ૭,૧૦,૦૦૦ રૂપિયા જીતી શકે છે.

(10:21 am IST)