Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રશિયન ભાઇ દીકરી સાથે એક જ રૂમમાં પાળેલા વરૂની સાથે રહે છે

મોસ્કો તા.૧પ : રશિયાના વોલ્ગોગ્રેડ શહેરમાં રહેતા ઇવાન એલ નામના ભાઇ એક જ રૂમના અપાર્ટમેન્ટમાં રહે છે. આ રૂમમાં તેઓ એક પુખ્ત વરૂને પણ રાખે છે. વાત એમ છે કે થોડાંક વર્ષો પહેલાં કેટલાંક શિકારી મિત્રો સાથે ઇવાન નજીકના જંગલમાં ગયેલો. શિકારી કુતરાઓની સાથે તે જંગલમાં ગયેલો એટલે એમની પાછળ-પાછળ તે ખારસા ઘેરા જંગલમાં પહોંચી ગયો. એ વખતે અચાનક બે નાનકડાં વરૂબાળ ઝાડીમાંથી તેની સામે આવીને ઉભાં રહ્યાં. આ બચ્ચાંઓ કેવી રીતે રીએકટ કરશે એ સમજાતું નહોતું. ત્યાં જે એમાંથી એક બચ્ચું ઇવાન પાસે આવ્યું અને તેનો હાથ ચાટવા લાગ્યું. ઇવાન પ્રાણીઓની થોડીઘણી બિહેવિયર સમજતો હતો. એટલે તેને લાગ્યું કે આ બચ્ચાં મુશ્કેલીમાં છે અને એમને હેલ્પ જોઇએ છે. ઇવાન બન્ને બચ્ચાંને પોતાની સાથે લઇ આવ્યો. એક બચ્ચું ગામની ભાગોળે ખુલ્લામાં રહેતા તેના મિત્રે રાખી લીધું અને બીજું વરૂબાળ ઇવાનના ઘરે રહેવા લાગ્યું. એનું નામ પાડવામાં આવ્યું ગ્રે.ઇવાનના ઘરમાં તેની એક દિકરી પણ છે જે ગ્રે સાથે ખૂબ હળી-મળી ગઇ છે. બે વર્ષ પહેલાં સુધી ઇવાન એક ગામમાં રહેતો હતો જયાં તેના ઘરની આસપાસ ખુલ્લી જગ્યા હતી એટલે ગ્રેને મજા પડતી હતી, પરંતુ હવે તે શહેરમાં શિફટ થયો છે. અને માત્ર એક રૂમનું ઘર છે. નવ માળના બિલ્ડિંગમાં પહેલા માળે તે રહે છે. આવા સંજોગોમાં ગ્રેને ઘરમાં રાખવામાં ઘણી અગવડ પડે છે, પરંતુ ઇવાન અને તેની દીકરી ગ્રેને છોડવા તેયાર નથી.

(11:03 am IST)