Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમેરિકાના ટેક્સાસમાં બાળકની બર્થડે પાર્ટીમાં વિવાદ સર્જાતા ફાયરિંગ

નવી દિલ્હી: અમેરિકાના ટેકસાસ પ્રાંતમાં એક વર્ષના એક બાળકની બર્થડે પાર્ટીમાં કેટલાક લોકો વચ્ચે થયેલ વિવાદ અને ચર્ચા બાદ અચાનક જ લોકો વચ્ચે ફાયરિંગ શરૂ થઇ જતાં આ ફાયરિંગમાં ચારનાં મોત થયા હતા અને એક વ્યકિત ઘાયલ થઇ હતી. પોલીસે આ કેસમાં ર૦ વર્ષના એક યુવાનની ધરપકડ કરી છે.

બર્થડે પાર્ટીમાં કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થતાં મામલો વધુ ઉગ્ર થતાં એકાએક ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. અણધાર્યા ફાયરિંગથી બર્થડે પાર્ટી માટે એકત્ર થયેલા લોકો ડઘાઇ ગયા હતા અને ફાયરિંગને કારણે ભાગદોડ મચી ગઇ હતી. લોકો પોતાનો જીવ બચાવવા પાર્ટીમાંથી બહાર દોડી આવ્યા હતા અને ભારે અફરાતફરી મચી ગઇ હતી.

પોલીસને જાણ થતાં તાબડતોબ પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાને અંકુશમાં લીધો હતો. પોલીસે આ કેસમાં ધરપકડ કરેલ ર૦ વર્ષીય યુવાનના ૩૭ વર્ષના પિતા પર પણ પોલીસને શક છે. જોકે પોલીસે હજુ સુધી આ યુવાનના પિતાની ધરપકડ કરી હતી.

વીકએન્ડમાં એક બાળકની બર્થડે પાર્ટી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ત્યારે ફાયરિંગની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ આ ઝઘડો કયા કારણસર થયો હતો તે હજુ સધી જાણવા મળ્યું નથી.

(4:50 pm IST)