Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ત્રણ વર્ષથી ખાધા વિના જીવતી આ છોકરીને ફૂડ અને સાબુની સ્મેલથી પણ એલર્જી છે

ન્યુયોર્ક તા. ૧પઃ અમેરિકાના સાઉથ કેરોલિનામાં રહેતી ર૧ વર્ષની શેયાન પેરી નામની કન્યાને જીવનાવશ્યક ચીજોની જ એલર્જી છે. જીવન ટકાવવા માટે ખોરાકની જરૂર પડે, પણ શેયાનને ખોરાકની એલર્જી છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેણે ખોરાકનો એક દાણો મોંમાં નથી નાખ્યો. ડાયરેકટ પેટમાં જ નળી ખોસીને તેને પોષણ મળે એવું ન્યુટ્રિશન આપવામાં આવે છે. તે પોતે તો કંઇ ખાઇ શકતી નથી, પરંતુ જો બીજું કોઇ તેની નજીકમાં ખાતું હોય તો એ ફૂડની સ્મેલથી પણ તેને એલર્જી થાય છે. એલર્જીનું રીએકશન વાઇના હુમલા તરીકે દેખાય છે. તે પાણી પી શકે છે, પણ જો એમાં કોઇપણ પ્રકારની સ્મેલ હોય તો એનાથીયે તેના શરીરે રેશિઝ થઇ નીકળે છે. સુગંધિત સાબુથી તે નાહી શકતી નથી. ફ્રેગ્રન્સવાળા સાબુથી બીજું કોઇ નહાય કે તેનાં કપડાં સુગંધીદાર ડિટર્જન્ટથી ધોવામાં આવે તો એનાથીયે તેને એલર્જિક રીએકશન આવે છે. ડોકટરોએ તેને એલર્સ-ડેન્લોસ સિન્ડ્રોમ અને ગેસ્ટ્રોપેરેસિસ નામની બીમારી હોવાનું નિદાન કર્યું છ. તેના પાચકતંત્રના સ્નાયુઓ ખૂબ જ નબળા થઇ ગયા છે એટલે ખોરાકનું પ્રોસેસિંગ થઇ શકતું નથી. આમ તો નાનપણથી તેને કોઇક ને કોઇક ચીજનું એલર્જિક રીએકશન આવી જતું હતું, પરંતુ ટીનેજ પાસ થયા પછી આ લક્ષણો વધુ વકરવાં શરૂ થયાં. કોઇપણ પ્રકારનો ધુમાડો, પરફયુમ, સાબુ-શેમ્પુ, અગરબત્તીની સ્મેલ તેનાથી જરાય સહન નથી થતાં. તાપમાનમાં સહેજ વધારો થતાં તેને વાઇનો હુમલો આવે છે. તેની આ કન્ડિશનને કારણે આખા પરિવારે સુગંધી વિનાની ચીજો વાપરવાનું શરૂ કરી દીધું છે.

(3:36 pm IST)