Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ખતરનાક ચક્રવાત અમેરિકાના પૂર્વ કિનારે પહોંચ્યું

નવી દિલ્હી:ખતરનાક ચક્રવાત ફ્લોરેન્સ અમેરિકાના પૂર્વ કિનારે ત્રાટક્યું છે. ચક્રવાત તોફાનના કારણે ઝડપી-તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ અને આંધી પણ શરૂ થઈ ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લોરેન્સના કહેરના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયાં છે અને અંદાજે છ લાખ ઘરમાં વીજળી નથી.

૧૭ લાખ લોકોને તોફાન ફ્લોરેન્સથી પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળો પર જવાની ચેતવણી આપી દેવાઈ છે. કેટલાક લોકો હોટલ અને બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે ફસાઈ ગયાના પણ અહેવાલ છે. આ પીડિતોને બચાવવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે.

નેશનલ વેધર સર્વિસના જણાવ્યા પ્રમાણે, પવનની ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિકલાકની છે. ફ્લોરેન્સના કારણે અનેક સ્થળો પર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. તોફાનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, વીજળીનો પુરવઠો ફરી શરૂ કરવામાં ઘણાં સપ્તાહ લાગી જશે.

(6:36 pm IST)