Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ચાલુ દિવસો દરમિયાન થયેલી ઉંઘની ઘટ વીક એન્ડમાં સરભર કરી શકાય !

સ્વીડન :. દરરોજ એક જ સમયે સુવુ અને લગભગ એક જ સમયે ઉઠવાથી બાયોલોજીકલ રીધમને નિયંત્રીત કરવામાં મદદ મળે છે અને ઉંઘની ગુણવત્તા અને કલાકો વધે છે એવુ તેઓ માનતા હતા.

પણ હવે પ્રકાશિત થયેલો એક નવો અભ્યાસ તેની સામે પ્રશ્નાર્થ ચિહન મુકે છે. તેમાં જણાવ્યા પ્રમાણે જો તમે સપ્તાહ દરમ્યાન પુરતી ઉંઘ ન લઈ શકો તો વીક એન્ડમાં વધારે સુઈને તેની સાથે સંકળાયેલા જોખમો ઓછા કરી શકો છો.

૩૮૦૦૦ પુખ્તવયના સ્વીડીશ લોકો પર કરાયેલા સર્વેમાં તેમની જીવનશૈલી, ટેવો, આરોગ્ય વિષયક માહિતી, સપ્તાહ દરમ્યાન અને વીક એન્ડમાં તેમની ઉંઘના કલાકો વગેરે બાબત પ્રશ્નો પુછાયા હતા. જેના આધારે ઉપરોકત તારણ કાઢવામાં આવ્યુ હતું. સંશોધકોએ આ ડેટાનો ઉપયોગ ચાલુ દિવસની ઉંઘ અને રજાના દિવસની ઉંઘ મૃત્યુ દર સાથે કેવી રીતે સંકળાયેલી છે તેનુ તારણ કાઢવા માટે કર્યો હતો.

સંશોધકોએ ૧૩ વર્ષના ડેટાનું પૃથ્થકરણ કરીને જાણ્યુ હતુ કે જે લોકો દિવસ દરમ્યાન ૬ થી ૭ કલાક ઉંઘે છે તેની સરખામણીમાં પાંચ કલાક કે તેથી ઓછી ઉંઘ લેનારા લોકો પર પ્રીમેચ્યોર ડેથનું જોખમ ૬૫ ટકા વધારે હોય છે. ૬૫ વર્ષથી વધુ વયના લોકો જેમની નિંદ્રા શૈલી નિયમીત હોય છે. તેમના માટે આ લાગુ નથી પડતુ કેમ કે તેમની નિંદ્રા ઓછી થઈ ગઈ હોય છે. સંશોધકોએ જ્યારે એવા લોકોની માહિતી તપાસી, જે લોકો ચાલુ દિવસો દરમ્યાન ઓછી ઉંઘ લેતા હોય પણ રજાના દિવસે વધારે ઉંઘ લેતા હોય તો તેમને એક મહત્વપૂર્ણ વાત જાણવા મળી કે તેમનો મૃત્યુ દર નિયમીત ૭ કલાકની ઉંઘ લેતા લોકો કરતા વધારે નહોતો.

લેખકે પોતાના અભ્યાસમાં લખ્યું છે કે, આનો મતલબ એમ થાય કે કામના દિવસોમાં થયેલી ઉંઘની ઘટને રજાના દિવસે વધારે ઉંઘ લઈન સરભર કરી શકાય છે. તેમણે કહ્યુ હતુ કે જો કે આ તારણો તર્ક ઉપર આધારિત છે કે તે લોકોએ પોતાના અંગે આપેલ માહિતી ઉપર આધારિત છે. ('ટાઈમ'માંથી સાભાર).(૨-૧૯)

(3:28 pm IST)