Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કંપારી છોડાવી દે તેવી ઘટના

અમેરિકા જવાની લ્હાય ! રણમાં માતા દિકરી માટે ૨૨ કલાક સુધી પાણી શોધતી રહી... પુત્રીનું હિટ સ્ટ્રોકથી મોત

ન્યુયોર્ક :  ભારતીયોમાં અમેરિકા જવાની હજુ એટલી જ ઉત્સુકતા છે અને તેના લીધે તેઓ કોઇપણ પ્રકારનો ખતરો ઉઠાવા માટે તૈયાર થઇ જતા હોય છે. ત્યારે એક એવી ઘટના એક સામે આવી છે જેના અંગે જાણી ભલભલાને કંપારી છૂટી જાય.

તસ્કરોએ પાંચ લોકોના એક ગ્રૂપને મંગળવારના રોજ અમેરિકન બોર્ડર પર એક સૂમસાન વિસ્તારમાં ઉતાર્યા હતા. ૬ વર્ષની બાળકી ગુરપ્રીત અને તેની માતા આ ગ્રૂપમાં સામેલ હતા. લ્યુકવિલેમાં ઉતર્યા બાદ છોકરી અને તેની માતા થોડાંક જ દૂર ચાલ્યા હતા કે ત્યાં તરસ લાગવા પર મહિલાએ ગુરપ્રીતને બીજી એક મહિલા અને તેના બાળકોની સાથે છોડી પાણીની શોધમાં ચાલવા લાગી હતી.

બોર્ડર પેટ્રોલ એજન્ટસના મતે એક વખત જયારે તે પાણીની શોધમાં ગઇ ત્યારબાદ તેણે પાછું ફરી જોયું નહીં. અમેરિકન બોર્ડર પેટ્રોલને મળ્યા પહેલાં ગુરપ્રીતની માતા અને બીજી મહિલા ૨૨ કલાક સુધી સોનોરાનના રણ અને બીહડોમાં ભટકતી રહી. બોર્ડર પેટ્રોલે મહિલાઓને તેમના પગના નિશાનથી શોધી કાઢ્યા. તેના ચાર કલાક બાદ બોર્ડર પેટ્રોલને એક બાળકીની લાશ મળી અને તે હતી ગુરપ્રીત કૌરની. બાળકીની લાશ અમેરિકન બોર્ડરથી થોડાંક જ માઇલો દૂરથી મળી.

અમેરિકન બોર્ડર પેટ્રોલે શુક્રવારના રોજ કહ્યું કે ભારતની છ વર્ષની એક બાળકી ગુરપ્રીત કૌરનું એરિઝોનાના રણમાં હીટ સ્ટ્રોકના લીધે મોત થયું છે. તેમણે કહ્યું કે બાળકીના માતા તેને અન્ય પ્રવાસી સાથે છોડીને તેના માટે પાણીની શોધમાં ગઇ હતી ત્યારે આ ઘટના બની. મોતને ભેટનાર બાળકી ગુરપ્રીત થોડાંક દિવસમાં જ તેનો સાતમો જન્મદિવસ મનાવાની હતી.

યુએસ બોર્ડર પેટ્રોલ અને પીમા કાઉન્ટી ઓફિસ ઓફ ધ મેડિકલ એકઝામિનર (PCOME)ના મતે ગુરપ્રીત તેમને બુધવારના રોજ એરિઝોનાના લ્યુકવિલામાં મળી. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે.

આ વર્ષે ગુરૂપ્રીત બીજી પ્રવાસી બાળકી છે જેનું મોત એરિઝોનાના દક્ષિણ રણમાં થયું હોય. આ વાતે એક વખત ફરીથી ભીષણ ગરમીમાં મધ્ય અમેરિકાથી આવનાર પ્રવાસી પરિવારના ખતરાને ઉજાગર કર્યો છે, જે અમેરિકન-મેકિસકો બોર્ડર પાર કરીને શરણની તપાસમાં હતા.

PCOMEના ચીફ મેડિકલ ઓફિસરના મતે બાળકીનું મોત હાઇપરથર્મિયાથી થયું છે. PCOMEના મતે ૩૦મી મે સુધીમાં દક્ષિણી એરિઝોનામાં ૫૮ પ્રવાસીઓના મોત થયા છે. મોટાભાગના મોત ગરમીના લીધે થયા છે. ૨૦૧૮ની સાલમાં ૧૨૭ લોકોના મોત નોંધાયા હતા.

ઇમિગ્રેશન અધિકારીઓના મતે બહુ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક મેકિસકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ હજારો આફ્રિકન અને એશિયન પ્રવાસીઓની સાથે અમેરિકામાં ગેરકાયદે તસ્કરોની મદદથી ઘૂસવાની કોશિષ કરી રહ્યાં છે.

(3:45 pm IST)