Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કોંગોમાં ૧૪૦૦નો ભોગ લીધા પછી મહાભયાનક ઈબોલા વાયરસે યુગાન્ડામાં બાળકનો જીવ લીધો

લાખો લોકોના ટેસ્ટ ચાલુઃ યુગાન્ડામાં ૩ કન્ફર્મ કેસઃ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા હીલચાલ

કોંગોઃ અત્યંત ખતરનાક ગણાતા ઈબોલા રોગથી અત્યાર સુધીમાં કોંગોમાં ૧૪૦૦ જણના મૃત્યુ થયા છે, પણ હવે તેનાથી કોંગોની બહાર પહેલુ મોત થયાના સમાચાર મળ્યા છે. જેના અનુસાર યુગાન્ડાનો એક ૫ વર્ષનો બાળક લોહીની ઉલ્ટીઓ કરતો મોતને ભેટયો હતો અને યુગાન્ડામાં અન્ય બે વ્યકિતના ઈબોલા ટેસ્ટ પણ પોઝીટીવ જણાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા અનુસાર આ બાળક એક કોંગોલીઝ કુટુંબનો જ હતો જે આ અઠવાડીયાની શરૂઆતમાં યુગાન્ડા આવ્યો હતો. યુગાન્ડાના સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેના ઉપરાંત તેના ૩ વર્ષના નાના ભાઈ અને ૫૦ વર્ષની દાદીને પણ ઈબોલા થયો છે. તેને સરહદ નજીકની હોસ્પીટલમાં મોકલી દેવાયા છે. આમ યુગાન્ડામાં હવે ઈબોલાના ત્રણ કન્ફર્મ કેસ નોંધાઈ ચુકયા છે.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર કોંગોમાં રહેલા તેના કોઈ સગાનો ચેપ આ કુટુંબને લાગ્યો હોવાની શંકા છે. જો કે બોર્ડર પર આરોગ્ય અધિકારીઓ મહિનાઓથી લાખો લોકોના ટેસ્ટ કરી રહ્યા છે.

ઓગષ્ટમાં કોંગોમાં પહેલા કેસ જાહેર થયા પછી કોંગોની બહાર નોંધાયેલ આ પહેલો કેસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા માટે એક મીટીંગનું આયોજન કરવાની તાકીદ કરી છે કેમ કે આ રોગનો ચેપ હવે સરહદ બહાર ફેલાયો છે. તેમ વિત્રા આરોગ્ય સંસ્થાના એક પ્રવકતાએ કહ્યુ હતું.

નિષ્ણાંતોને ઈબોલા આસપાસના દેશોમાં ફેલાવાનો લાંબા સમયથી ભય હતો કેમ કે પૂર્વ કોંગો ઘણો અશાંત પ્રદેશ છે ત્યાં વારંવાર બળવાખોરોના હુમલા થતા હોવાથી લોકોને વારંવાર સમુહમાં ભાગવુ પડે છે. ઈબોલાનો વાયરસ શારીરિક સંપર્કમાં આવતા જ ઝડપભેર ફેલાય છે.

કોંગોના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ છોકરાના લગભગ એક ડઝન કુટુંબીજનોમાં ઈબોલાના લક્ષણો જોવાયા હતા. તેમને આઈસોલેશનમાં રાખવાના બદલે જ્યાં સુધી બેની ખાતેના ઈબોલા ટ્રીટમેન્ટ સેન્ટર સુધી જવાનું વાહન ન મળે ત્યાં સુધી તેમને જ્યાં હતા ત્યાં સુધી તેમને જ્યાં હતા ત્યાં જ રહેવાની સૂચના અપાઈ હતી. તેમ છતાં પણ તેના અડધા કુટુંબે છાનામાના બોર્ડર ક્રોસ કરીને યુગાન્ડા પહોંચી ગયા હતા. જ્યારે બાકીનાને બેની ખાતેની હોસ્પીટલે લઈ જવાયા હતા.

કોંગો તરફથી મળેલી ચેતવણી પછી યુગાન્ડામાં છોકરાને ટ્રીટમેન્ટ અપાઈ હતી જ્યારે તેના સગાઓને આઈસોલેટ રાખવામાં આવ્યા હતા અને તેમના ટેસ્ટ કરાયા હતા. યુગાન્ડાના આરોગ્ય પ્રધાન જેન એસેંગે કહ્યું હતુ કે છોકરાનો કાકો હવે યુગાન્ડા ખાતે ઈબોલાનો સાતમો સંદિગ્ધ કેસ બન્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બન્ને તરફના સત્તાવાળાઓ સરહદ પારની ગેરકાયદેસર અવરજવરને રોકવા માટે તેમનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(1:13 pm IST)