Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઈરાને હુમલામાં સંડોવણીનો ઈન્કાર કર્યો

સાઉદી ઓઈલ ટેન્કરમાંથી જીવતા બોંબ ઈરાની સેનાએ હટાવી લીધા : અમેરિકાનો આક્ષેપ

દુબઇ, તા. ૧૫ : અમેરિકન સેનાએ શુક્રવારે એક વીડિયો જારી કરી દાવો કર્યો છે કે ઇરાનના રેવોલ્યુશન ગાર્ડે હોરમુઝ જળસંધિની પાસે નિશાન બનાવવામાં આવેલા એક ઓઇલ ટેન્કરમાંથી જીવિત બોંબ હટાવ્યા હતાં. અમેરિકાએ આ વીડિયો જારી કરી દાવો કર્યો છે કે ઇરાને ઓઇલ ટેન્કરમાંથી બોંબ હટાવીને પોતાની સંડોવણીના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે.

અમેરિકન નેવી ઇરાનના દરિયાકાંઠે ઓમાન ખાડીમાં હુમલાના શિકાર બનેલા જહાજોની મદદ માટે ગઇ હતી.

આ જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હતો અને ફ્રન્ટ અલ્ટાયરમાં કલાકો સુધી આગ લાગેલી રહી અને કાળો ધુમાડો ઉડતો રહ્યો હતો. ઇરાને આ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે.

જો કે અત્યાર સુધી ટેન્કરોના સંચાલકોએ અત્યાર સુધી એ સ્પષ્ટ કર્યુ નથી કે નોર્વેની માલિકી ધરાવતા એમટી ફ્રન્ટ અલ્ટાયર અને જાપાનની મિલકતવાળા કોકુકા કરેજિયસ ઓઇલ ટેન્કરોને કોને અને કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું.

ઉલ્લેખનીય છે કે તે સમયે પણ અમેરિકા આ ક્ષેત્રમાંથી પસાર થતા ઓઇલ ટેન્કરની રક્ષા કરતું હતું. અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા કેપ્ટન બિલ અર્બને જણાવ્યું છે કે ઓઇલ ટેન્કરોમાં જીવિત બોંબ હતા અને ઇરાનની સેનાએ હટાવ્યા હતાં.

ઓમાન ખાડીમાં એક મહિના પછી બીજી વખત ઓઇલ ટેન્કરો પર હુમલો થતા ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યાં છે. અમેરિકાએ ઇરાન પર આ હુમલાની સંડોવણીનો આરોપ મૂકાત બંને દેશો વચ્ચે ફરી તંગદિલી વધી ગઇ છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ચેતવણી આપી છે કે તે ખાડીમાં પોતાના અને સહયોગી દેશોના હિતની રક્ષા કરશે. ઓમાન ખાડીમાં ઓઇલ ટેન્કર પર હુમલો થયા પછી યુએનએ સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે.(૩૭.૭)

(1:13 pm IST)