Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

તમારા વતી કોઇક બીજું ટેસ્ટી ફૂડ ખાઇ લે એવી સર્વિસ શરૂ થઇ ચીનમાં

લોકો એ સર્વિસ લેવા માટે પડાપડી કરી રહ્યા છે

બીજીંગ તા.૧૫: જો તમને ફ્રીમાં ખાવા-પીવાનું અને સામેથી પૈસા પણ મળે એવું કામ જોઇતું હોય તો ચીન ભણી દોડ મૂકો. અહીં એક ઓનલાઇન સર્વિસ શરૂ થઇ છે જેમાં તમારે કલાયન્ટ કહે એ ચીજ ખાવાની અને ખાધાના પુરાવારૂપે એનો વિડિયો કલાયન્ટને મોકલવાનો. એ ડિશની કિંમત ઉપરાંત ૨૦ થી ૯૦ રૂપિયા કલાયન્ટ તમને ચૂકવશે. યસ, આ જરાય ખયાલી પુલાવ નથી. હકીકતમાં ચાઇનીઝ કમર્શિયલ પ્લેટફોર્મ તાઓબાઓ પર આ સર્વિસ શરરૂ થઇ છે. નવાઇની વાત એ છે કે લોકોએ સર્વિસ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ચીનમાં કેટલાક ધનિક નબીરાઓ એવા છે જેમને કંઇન કરવાનો કંટાળો આવે છે. તેમને ખબર છે કે પોતાને મન ફાવે એવું ખાવાથી તેઓ નકામી કેલરી શરીરમાં ખડકીને પોતાને જ નુકશાન કરશે એટલે તેમણે પોતાનું અમુકતમુક ચીજ ખાવાનું ક્રેવિંગ ઘટાડવા માટે બીજાને હાયર કરવાનું શરૂ કર્યું છે. તેમને અચાનક જે ડિશ ખાવાનું મન થયું હોય એ ચીજ બીજાને ખવડાવીને તેમને મજા આવે છે. કેટલાક ખાવાના શોખીનો માટે તો આ કમાવાનો જરિયો બની રહ્યો છે. તેમણે ઓનલાઇન પોતાની સર્વિસ રજૂ કરી છે. કલાયન્ટની ઇચ્છા મુજબનું ખાવાની તેૈયારી હોય તો બન્ને વચ્ચે જે-તે ડિશ ખાવાના પૈસા નક્કી થાય. ડીલ નક્કી થયા પછી સર્વિસ પ્રોવાઇડરે જે-તે રેસ્ટોરામાં જઇને કેમેરા સામે નિશ્ચિત ડિશ ઓર્ડર કરવાની અને ખાવાની. આનું લાઇવ પ્રસારણ કલાયન્ટને જોવા મળે. કેટલાક કલાયન્ટ જે-તે ડિશના ટેસ્ટ  લખાણની ડિમાન્ડ પણ કરે છે. આવું કરવાથી કલાયન્ટને શું ફાયદો થાય એ તો હજી સ્પષ્ટ નથી, પરંતુ પોતાના વતી બીજા પાસે ખાવાનું ખવડાવનારા લોકોની સંખ્યા ખાસ્સી એવી વધી છે એવું તાઓબાઓ પ્લેટફોર્મ પર જોવા મળે છે

(9:38 am IST)