Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

બોય ઇન બબલઃ સિઝેરિયન દરમ્યાન ગર્ભની થેલી સાથે જન્મ્યું બાળક

લંડન તા.૧૫: બ્રાઝિલના વિલા વેલા શહેરની એક હોસ્પિટલમાં મોનિક વેલાસ્કો નામની મહિલાએ એક દિકરાને જન્મ આપ્યો. આ જન્મ એટલા માટે ખાસ હતો કેમ કે સિઝેરિયનથી બાળકનો જન્મ થવા છતાં ગર્ભની થેલી એવીને એવી અકબંધ હતી. સામાન્ય રીતે ગર્ભાશયમાં ભ્રુણ બને એટલે આપમેળે એની ફરતે એક ટ્રાન્સપરન્ટ બબલ બની જાય છે. મેડીકલ ભાષામાં એને એમ્નિઓટિક સેક કહેવાય છે. આ થેલીમાં હોય ત્યાં સુધી બાળક સુરક્ષિત રહે છે અને એને ગર્ભનાળ વાટે ઓકિસજન અને જરૂરી પોષણ બન્ને મળી રહે છે. નેચરલ ડિલીવરી થાય ત્યારે એક લાખ કેસમાંથી એકાદ વાર બાળક આ થેલીની સાથે જ બહાર આવી જાય છે. જો કે સિઝેરિયન કરવાનું હોય ત્યારે આ થેલી અકબંધ રહે એવું રેરલી બને છે. સિઝેરિયન માટે સર્જન જે સ્કાલપેલ વાપરે છે એ ખૂબ તીક્ષ્ણ હોવાથી ગર્ભની થેલી ડેમેજ થઇ જ જાય છે. જો કે બ્રાઝિલમાં મોનિક વેલાસ્કોની ડિલીવરી દરમ્યાન આ થેલી અકબંધ રહી અને બાળક ગર્ભાશયમાંથી બહાર આવી ગયું એ પછી પણ બબલની અંદર હલનચલન કરતું જોઇ શકાતું હતું. આ થેલીમાં હાથ-પગ હલાવતા, મોં ખોલીને બગાસું ખાતા અને જાણે પાઉટ પોઝ આપતું હોય એમ થેલી સાથે મોં ચિપકાવતા બાળકની કેટલીક તસ્વીરો પાડી લેવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ ડોકટરે આ બબલને તોડીને બાળકે પહેલી વાર પૃથ્વી પર શ્વાસ લીધો હતો. જયારે પણ આવું થાય ત્યારે ડોકટરો બાળકનો જન્મ બે વાર થયો છે એવું માને છે એક તો માના ગર્ભમાંથી નિકળે ત્યારે અને બીજો, ગર્ભની થેલીમાંથી નિકળે ત્યારે.

(3:51 pm IST)