Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રોજની એક મીઠી સોડા સંતાન મેળવવામાં બાધારૂપ બની શકે

ન્યુયોર્ક, તા. ૧૫ :. મીઠી સોડા કે ગળ્યા પીણા માત્ર વજન, ડાયાબિટીઝ કે હાર્ટ માટે જ ખરાબ છે એવું નથી. એનાથી તમારી માતા કે પિતા બનવાની સંભાવનાઓ પર પણ અસર થાય છે. પતિ કે પત્નિ બેમાંથી કોઈ પણ એક વ્યકિત જો રોજ એક મીઠી સોડા પીતી હોય તો ગર્ભાધાન માટે મુશ્કેલીઓ આવી શકે છે.

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નિષ્ણાંતોનું કહેવું છે કે જે પુરૂષો રોજ એક સોડા કે ગળ્યું પીણું પીએ છે તેમની ફર્ટિલિટીમાં ૩૩ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.

સ્ત્રીઓમાં આ આદતથી ૨૦ ટકા જેટલો ફરક આવે છે. મોટા ભાગે લોકો એવું માની લે છે કે એકાદ પીણામાં વળી શું થઈ જવાનું હતું ? પરંતુ દરેક વખતે વ્યકિત સાદી મીઠી સોડા જ પીએ એવું નથી હોતું. અઠવાડિયામાં બે થી ત્રણ વાર કેફીનયુકત પીણા પણ આવી જતા હોય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતુ કે, આર્ટિફિશ્યલ સ્વીટનરવાળા પીણાને કારણે સ્ત્રી-પુરૂષ બન્નેમાં હોર્મોનલ બદલાવો થાય છે. જે યુગલો ફેમિલી-પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તેમણે પહેલેથી જ ગળ્યા પીણાં પીવાની આદત પર કંટ્રોલ કરી લેવો જરૂરી છે. આ પહેલાના અભ્યાસમાં ગળ્યા પીણાંથી ટાઈપ ટુ ડાયાબિટીઝ, વજનમાં વધારો, વીર્યની ગુણવત્તામાં ઘટાડો, વહેલું માસિક જેવા લક્ષણો જોવા મળવાનું નોંધાઈ ચૂકયુ છે.(૨-૧)

(11:26 am IST)