Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ટીવી, લેપટોપ, મોબાઇલના સ્ક્રીન ઉપર કલાકો ચોંટી રહેતા બાળકોમાં હતાશા અને આક્રમકતા વધુ : અભ્યાસનું તારણ

આવા બાળકોની ભાવના સ્થિર નથી હોતી, પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં તેમને વધારે મુશ્કેલીઓ પડે છે

નવી દિલ્હી : પ્રિવેન્ટીવ મેડીસીન રીપોર્ટસના જર્નલમાં પ્રકાશીત થયેલ એક અભ્યાસ અનુસાર જે લોકો સ્ક્રીનની સામે સાત કલાક અથવા તેનાથી વધારે સમય ગાળે છે તેમનામાં એક કલાક સ્ક્રીન સામે રહેતા લોકો કરતા ડીપ્રેશન અને આક્રમકતા બમણી જોવા મળે છે.

૨૦૧૬માં નેશનલ સર્વે ઓફ ચીલ્ડ્રન્સ હેલ્થ હેઠળ કરાયેલ આ સર્વેમાં ૨ થી ૧૭ વર્ષના ૪૦૦૦૦ બાળકોના આંકડાનો અભ્યાસ કરાયો હતો. ૧૪થી ૧૭ વર્ષના ૨૦ ટકા લોકો દરરોજ સાત કલાકથી વધોર સમય સ્ક્રીન સામે પસાર કરે છે. પ્યુ રીસર્ચ સેન્ટરના રીપોર્ટ અનુસાર બાળકો તેમના વડીલોનું અનુકરણ કરે છે. એક અંદાજ મુજબ મોટાભાગના પુખ્ત વયના અમેરિકનો ટીવી અને અન્ય ડીજીટલ ડીવાઇસ સામે જોવામાં રોજના લગભગ ૧૦ કલાક ગાળે છે.

સ્ક્રીન સામેના સમયગાળા અને ડીપ્રેશન તથા આક્રમકતા વચ્ચેના સંબંધ અંગે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, સાત અથવા તેના વધારે કલાક સ્ક્રીન સામે ગાળનાર વ્યકિત ઝડપથી ગુંચવાય છે, તે પોતાની ભાવનાઓમાં સ્થિર નથી હોતા, પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં તેમને વધારે મુશ્કેલીઓ પડે છે અને તેમના ઓછા મિત્રો હોય છે.

સાનડીએગો સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર અને અભ્યાસના લેખક જીન એન્ગનું કહેવું છે કે સ્ક્રીન સામે વધારે સમય ગાળનાર બાળક માતા-પિતા, શિક્ષકો, મિત્રો માટે સમસ્યાઓ ઉભી કરે છે. સ્ક્રીન સામે વધારે સમય રહેવાને બાળકોના ડીપ્રેશન અને આપઘાત સાથે ચોક્કસ સંબંધ છે.

અમેરિકન એકેડેમી ઓફ પીડીયાટ્રીકસ દ્વારા બહાર પડાયેલી લાઇડલાઇન્સ પ્રમાણે ૨થી ૫ વર્ષના બાળકો રોજના એક કલાકથી વધારે સ્ક્રીન સામે ન હોવા જોઇએ. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(4:14 pm IST)