Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આ સ્‍માર્ટફોન એપ તમને હાર્ટ-અટેક આવ્‍યો છે કે કેમ એ કહી આપશે

નવી દિલ્‍હી તા.૧૪: જયારે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની વર્તાય ત્‍યારે એ ગંભીર હાર્ટ-અટેક છે કે હળવી સમસ્‍યા એનું તરત જ નિદાન થઇ જાય એવી સ્‍માર્ટફોન એપ આવી છે. અલાઇવકોર એપ જો ધમનીમાં બ્‍લોકેજને કારણે હાર્ટ-અટેક આવ્‍યો હોય તો એનું તુરંત જ નિદાન કરી આપે છે. આ માટે સ્‍માર્ટફોન સાથે બે વાયરના અટેચમેન્‍ટ જોડવામાં આવે છે. જે હાર્ટની એકિટવિટી મોનિટર કરે છે અને હદયના હુમલાનાં લક્ષણોની તપાસ કરીને કહી આપે છે કે તમને ગંભીર હાર્ટ-અટેક છે કે નહીં. આ એપથી ઓન ધ સ્‍પોટ તમે ઇકોકાર્ડિયોગ્રામ કાઢી શકો છો અને તમારા કાર્ડિયોલોજીસ્‍ટ જયાં હોય ત્‍યાં તેમના સ્‍માર્ટફોનમાં એનો રિપોર્ટ પહોંચી જાય છે. એ રિપોર્ટ પરથી નિષ્‍ણાંત તમારે શું કરવાની જરૂર છે અને ગાઇડ કરી શકે છે. અમેરિકાના સોલ્‍ટ લેક સિટીમાં ઇન્‍ટરમાઉન્‍ટન મેડિકલ સેન્‍ટર હાર્ટ ઇન્‍સ્‍ટિટયૂટના નિષ્‍ણાંતોનું કહેવું છે કે આ એપથી ખૂબ ઝડપથી નિદાન થઇ શકે છે  અને જેટલી ઝડપથી બ્‍લોક થયેલી ધમની ખૂલે એટલુ ઓછું ડેમેજ દર્દીને થાય છે. અભ્‍યાસમાં છાતીનો દુખાવો ધરાવતા ૨૦૪ દર્દીઓ પર આ એપનો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. દર્દીઓ પર નોર્મલ મશીન દ્વારા ઇકોકાર્ડિયોગ્રામ કાઢવાનો તેમ જ આ એપ દ્વારા ઇકોકાર્ડિયોગ્રામ કાઢવાનો બેવડો પ્રયોગ થયો. બન્નેના રિપોટ્‍સ લગભગ એકસરખા હતા.

(3:48 pm IST)