Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બહેન એટલું ખડખડાટ હસ્યાં કે મોં ખુલ્લું જ રહી ગયું, ડોકટર પાસે જઇને બંધ કરાવવું પડયું

બીજીંગ તા. ૧૪: લાફટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, હસે એનું ઘર વસે. હસવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે એવું કહેવાય છે, પણ કયારેક બહુ જોરથી હસાઇ જાય તો હસવામાંથી ખસવું પણ થઇ શકે છે. ચીનમાં ટ્રેનમાં સફર કરતી વખતે એક બહેન વાતો કરતાં-કરતાં એટલું હસ્યા કે તેમનું મોં ખુલ્લું જ રહી ગયું. ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના ગુઆંગઝુ રેલ્વે સ્ટેશન પર એક ટ્રેનમાં આ ઘટના ઘટી. સફર દરમ્યાન બહેન મજાના મૂડમાં હતા અને કોઇક વાતે તેમણે મોં ખોલીને અટ્ટહાસ્ય કરી લીધું. જોકે એ દરમ્યાન તેમના જડબાં પર એટલું પ્રેશર આવ્યું કે એ ખસી ગયું. જડબું ખસી જવાને કારણે મોંઘ ખુલ્લું જ રહી ગયું. ટ્રેનમાં એ વખતે લિવાન હોસ્પિટલના ડો. લુઓ વેશેન્ગ પણ ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમને આ ઘટનાની ખબર પડતાં જ તેઓ ત્યાં તરત દોડી ગયા. ડો. લુઓનું કહેવું છે કે તેઓ જયારે દરદી પાસે પહોંચ્યા ત્યારે તે કંઇ બોલી નહોતી શકતી. તેનું મોં ખુલ્લું હતું અને લગાતાર લાળ ટપકી રહી હતી. શરૂઆતમાં ડોકટરને લાગ્યું કે કદાચ અટેક આવ્યો છે એટલે તેમણે દરદીનું બ્લડપ્રેશર માપ્યું તો એ નોર્મલ હતું. એ પછી આજુબાજુવાળાને પૂછતાં સમજાયું કે તેમનું જડબું ડિસલોકેટ થઇ ગયું છે. તેમણે બેઉ હાથે જડબું ફરીથી એની જગ્યાએ બેસાડવાની કોશિશ કરી. પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો, પરંતુ બીજા પ્રયત્નમાં હાડકું ઠેકાણે બેસી ગયું.

જડબું ઠેકાણે આવતાં તે તરત બોલવા લાગી હતી. દરદીનું કહેવું હતું કે આવું પહેલાં પણ તેની સાથે થયેલું. તે જયારે પ્રેગ્નન્ટ હતી ત્યારે જોરથી વોમિટ કરવા જતી વખતે પણ જડબું ખસી ગયેલું.

(1:00 pm IST)