Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

દારૂના નશામાં ભાઇ ઘરની ચાવી જ ગળી ગયા

બીજીંગ તા. ૧૪ :.. ચીનના ગુઆંગડોન્ગ ટાઉનમાં રહેતા ર૬ વર્ષના ચેન્ગ નામના યુવક સાથે ગયા વીક-એન્ડ દરમ્યાન જબરો હાદસો થયો. ભાઇસાહેબ શુક્રવારની સાંજે દોસ્તો સાથે પાર્ટી કરવા ગયા અને દબાવીને દારૂ ઢીંચ્યો. માંડ-માંડ ઘરે પહોંચ્યા અને ઘરે જઇને લોક ખોલવા માટે ખિસ્સામાંથી ઘરની ચાવી ફંફોસી. ખાસ્સી વાર શોધ્યા પછી ચાવી ન મળી એટલે તેમણે ફોન કરીને પરિવારજનોને ઉઠાડયા અને દરવાજો ખોલવાનું કહ્યું. ઘરમાં જઇને પથારીમાં પડતાં જ તે કયાં પોઢી ગયો એની તેને પણ ખબર ન પડી. જો કે સવારે ઉઠયો અને દારૂની અસર ઓસરી ત્યારે તેને છાતીમાં તીવ્ર દુખાવો થવા માંડયો. તરત તે ડોકટર પાસે ગયો. હાર્ટની તકલીફ તો નહોતી લાગતી એટલે ડોકટરોએ ચેસ્ટનો એકસ-રે કાઢયો તો ચોંકી જ ગયા. ડોકટરે પુછયું કે ભાઇ તમારી કોઇ ચાવી ખોવાઇ છે? ચેન્ગને નવાઇ લાગી કે ગઇકાલે રાતે ઘરે આવતી વખતે તેને ઘરની ચાવી નહોતી મળી એની આ ડોકટરને કઇ રીતે ખબર પડી? ત્યારે ડોકટરે એકસ-રે બતાવીને કહયું કે લો, તમારી ચાવી આ રહી. અન્નનળીમાં વચ્ચે ફસાઇ ગયેલી ચાવી જોઇને ચેન્ગ પણ હેબતાઇ ગયો. તેને યાદ જ નથી કે પોતે કયારે ચાવી ગળી ગયો.

ખેર, તે કઇ રીતે ગળી ગયો એ મહત્વનું નહોતું પણ હવે એ કાઢવી કઇ રીતે એ મોટો કોયડો હતો. શરૂઆતમાં ડોકટરોએ ગેસ્ટ્રોસ્કોપ દ્વારા કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ આડી ચાવી ફસાઇ ગઇ. આખરે ડોકટરોએ તેને જનરલ એનેસ્થેસિયા આપીને અંદરના સ્નાયુઓને શિથિલ કર્યા અને એન્ડોસ્કોપથી ચાવી ખેંચી કાઢી.

(10:24 am IST)