Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પેટ ઘટાડવા માટે કાર્બન ડાયોકસાઈડનું ઈન્જેકશન શોધાયું

નવી દિલ્હી, તા. ૧૪ :. શરીરના બીજા ભાગમાંથી ચરબી ઘટાડવી સહેલી છે પણ પેટ ફરતેની ચરબી ઘટાડવા માટે ખૂબ જહેમત પછી પણ ફાયદો નથી થતો. આ જ કારણોસર વૈજ્ઞાનિકો સહેલાઈથી પેટની ચરબીનો છુટકારો મેળવવાના રસ્તાઓ શોધી રહ્યા છે. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના નિષ્ણાતોએ આવા જ એક પ્રયોગમાં ખાસ ઈન્જેકશન તૈયાર કર્યુ છે જે કાર્બન ડાયોકસાઈડ ગેસમાંથી બને છે. વૈજ્ઞાનિકોએ એને કાર્બોકિસથેરપી નામ આપ્યું છે. આ ગેસનું પોકેટ પેટની ત્વચાના ઉપરના ભાગમાં બનાવવામાં આવે છે જેને કારણે પેટ ફરતેની ચરબી ઓગળવા લાગે છે. અમેરિકાની જર્નલ ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ શોધના મુખ્ય શોધકર્તાનું કહેવું છે કે આ નવી ટેકનિકનો ફાયદો એ છે કે એમા વપરાતો ગેસ ખૂબ સસ્તો ગેસ છે અને એમાં સેફટી પણ પુરી છે. શરીરમાં જ્યાં પણ ચરબી ભરાઈ છે ત્યાં કાર્બન ડાયોકસાઈડ ગેસનું પોકેટ બનાવવાથી નેચરલી જ ચરબી ઓગળે છે. પહેલા એવું માનવામાં આવતુ હતુ કે કાર્બોકિસથેરપીમાં અપાતુ કાર્બન ડાયોકસાઈડનું ઈન્જેકશન શરીરની અત્યંત સૂક્ષ્મ સકર્યુલેશન ચેનલમાં બદલાવ લાવીને ચરબીના કોષોને ખતમ કરે છે. તાજેતરમાં ૧૬ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમની પેટની એક તરફ આ ઈન્જેકશન આપવામાં આવ્યુ અને બીજી તરફ કોસ્મેટિક પ્રોસીજર દ્વારા ચરબી ઘટાડવામાં આવી. પાંચ વીકની સારવાર બાદ જોવા મળ્યુ હતુ કે જે ભાગમાં ઈન્જેકશન આપવામાં આવ્યુ હોય છે એ ભાગની ચરબીના કોષો સહેલાઈથી સંકોચાઈને ઘેરાવો નોંધનીય રીતે ઘટે છે.

(11:52 am IST)