Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ડાયાબિટીઝના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ-શુગર ન વધી જાય એવી વન્ડરપિલ શોધાઇ

લંડન, તા. ૧૩ : જેમને ડાયાબિટીઝની તકલીફ છે તેમને જમ્યા પછી તરત જ બ્લડ-શુગર લેવલ વધી જતું હોય છે. ખોરાક જઠરમાં જાય એટલે સિમ્પલ કાર્બોહાઇડ્રેટમાંથી ગ્લુકોઝ છૂટીને આંતરડાની અંતઃત્વચામાં શોષાઇને ડાયરેકટ લોહીમાં ભળી જાય છે. એ જ કારણોસર જમ્યાના એક-દોઢ કલાકમાં લોહીમાં અચાનક જ શુગરનો ઉછાળ આવે છે. અમેરિકાના મેસેચુસેટસમાં આવેલી બ્રિગહેમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના બાયોએન્જિનિયર્સની ટીમે ખાસ પિલ શોધી છે જે એક પ્રકારની સર્જરી જેવું કામ આપે છે. અભ્યાસકર્તાઓએ આ ગોળી ઉંદરોને આપીને સફળ પ્રયોગ કર્યો છે અને ગોળી લીધા પછી શુગરના ઉછાળમાં નિયંત્રણ આવ્યો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધી ડાયાબિટીઝ માટે શોધાયેલી દવાઓ કરતા આ પિ કઇ રીતે જુદી છે એ જરાક સમજીએ. આ પિલમાં કોઇ ડ્રગ નથી હોતી એટલે એમાંના ઘટકો લોહીમાં ભળ્યા વિના જ કામ કરે છે. આ પિલ પેટમાં જાય અને એમાં મોઇશ્ચર મળે એટલે પાતળી પરત જેવું બની જાય છે. આ પરત જઠર અને આંતરડાની અંતઃત્વચા પર ફેલાઇ જાય છે. પરતને કારણે ખોરાક જયારે એ જગ્યાએથી પસાર થાય ત્યારે એમાંથી અંતઃત્વચા ગ્લુકોઝનું શોષણ કરી શકતી નથી. એને કારણે ખાધા પછી તરત ગ્લુકોઝ લોહીમાં ભળતો અટકે છે. અભ્યાસકર્તાઓએ ઉંદરોને આ ગોળી જમવાના એક કલાક પહેલા આપીને નોંધ્યું છે કે એનાથી બ્લડ-શુગરમાં ઉછાળ ૪૭ ટકા જેટલો ઘટે છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે પિલમાંથી બનેલી પરત કાયમી નથી હોતી. લગભગ ત્રણેક કલાક બાદ એ પરત પોતે ઓગળી જાય છે અને ખોરાકમાંની શુગર ધીમે-ધીમે લોહીમાં ભળે છે. આંતરડા પર કોટિંગ કરવા માટે પાઉડર ફોર્મમાં ખાસ કમ્પાઉન્ડ કેપ્સ્યુલની અંદર ભરીને પેટમાં દાખલ કરવાની આ નવી પદ્ધતિનો હજી માણસો પર પ્રયોગ કરવાનો બાકી છે. (૮.૪)

 

(9:57 am IST)