Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મહિલાએ પોતાની જ અંતિમ યાત્રાનું રિહર્સલ કર્યું : સંબંધીઓએ કર્યું આક્રંદ

મહિલાની નકલી અંતિમ યાત્રામાં સંબંધીઓ, મિત્રો અને પરિવારજનોએ ભારે વિલાપ કર્યો હતો

લંડન,તા. ૧૪: ડોમિનિકન રિપબ્લિકમાં એક મહિલાએ વિચિત્ર પ્રસંગનું આયોજન કર્યું હતું. મહિલાએ કોફિનમાં કલાકો સુધી પસાર કરીને પોતાની જ અંતિમક્રિયાનું રિહર્સલ કર્યું હતું. ૫૯ વર્ષીય માયરા એલોન્ઝોએ સેન્ટિઆગો ખાતે એપ્રિલના અંતમાં તેમના ઘરે જ તેમની અંતિમ ક્રિયાનું રિહર્સલ કર્યું હતું. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે એલોન્ઝોના મિત્રો અને પરિવારજનોએ પણ અશ્રુભીની આંગે તેમને વિદાય આપી હતી. જેમાંથી ઘણા લોકો ખોટું ખોટું રડી રહ્યા હતા. જયારે ઘણા લોકો હસી રહ્યા હતા અને તેમના ફોનમાં તસ્વીરો લઈ રહ્યા હતા.

એલોન્ઝો શબવાહિનીમાં આવ્યા હતા અને તેમણે પગથી માથા સુધી સફેદ ડ્રેસ પહેર્યો હતો અને કોફિનમાં હતા. તેમણે માથામાં ફૂલોનો તાજ પહેર્યો હતો. એટલું જ નહીં નાકમાં રૂ પણ ભરાવ્યું હતું. સમગ્ર દ્રશ્ય એવું હતું કે જાણે સાચે જ કોઈ મૃતદેહ લાવવામાં આવ્યો છે.

એલોન્ઝોએ જણાવ્યું હતું કે આ પ્રસંગ મારા માટે સપનુ સાકાર થયા સમાન છે. આ ઉપરાંત તેમણે પોતાના મિત્રો, પરિવાર અને પાડોશીઓનો આભાર માન્યો હતો જેમણે તેમના આ પ્રસંગમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો હું આવતીકાલે મરી જઈશ તો મારા માટે કોઈ કંઈ કરે તેવું હું ઈચ્છતી નથી કેમ કે મેં મારા જીવનમાં બધું જ કરી લીધું છે.

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની એલોન્ઝોની ટીકા પણ કરી હતી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું હતું કે જયાં એક બાજુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યાં આ પ્રકારની નકલી અંતિમ યાત્રા કાઢવી અયોગ્ય છે. જોકે, એલોન્ઝોએ જણાવ્યું હતું કે કોવિડના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તે જોઈને જ તેમને આ નકલી અંતિમ યાત્રાનો વિચાર આવ્યો હતો.

(10:03 am IST)