Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

માથું દુખતુ હોવાથી સૂઈ ગયેલી મહિલા ઉઠી ત્યારે વિદેશી ઉચ્ચારો કરવા લાગી

ન્યુયોર્ક, તા. ૧૪ :. અમેરિકાના એરિઝોનામાં રહેતી ૪૫ વર્ષની મિશેલ માયર્સ નામની મહિલા સાથે થોડાક સમય પહેલા અજીબોગરીબ હાદસો થયો. એક સાંજે તેને ખૂબ માથું દુખતુ હતું એટલે તે દવા લઈને સૂઈ ગઈ. લાંબા કલાકો ઉંઘીને ઉઠયા પછી સવારે ઉઠી તો તેની ઉચ્ચારો કરવાની સ્ટાઈલ જ બદલાઈ ગઈ. તે ઓસ્ટ્રેલિયન અને આયરિશ એકસેન્ટમાં બોલવા લાગી હતી. લગભગ બે વીક સુધી તે એવી રીતે વાત કરતી રહી. પછી અચાનક એક દિવસે ઉઠીને તે બ્રિટીશ એકસેન્ટમાં વાત કરવા લાગી. છેલ્લા બે વર્ષથી તે બ્રિટીશ એકસેન્ટમાં વાત કરે છે. એ છતાં હજીયે કયારેક અમુક દિવસો માટે તેની બોલવાની સ્ટાઈલ અને ઉચ્ચારો અચાનક ચેન્જ થતા જ રહે છે. અમેરિકાના ડલાસમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેકસસના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ડિસઓર્ડર્સના નિષ્ણાતોએ મિશેલને ફોરેન ઙ્ગએકસેન્ટ સિન્ડ્રોમ હોવાનું નિદાન કર્યુ છે. સામાન્ય રીતે આ સમસ્યા માથામાં કંઈક વાગે, સ્ટ્રોક આવે કે મગજના ભાષા સાથે સંકળાયેલા ભાગને ઈન્ટરનલ ડેમેજ થાય ત્યારે અચાનક થઈ શકે છે. મિશેલને આવું કેમ થયું છે એનુ કોઈ કારણ હજી સમજાયુ નથી. નવાઈની વાત એ છે કે તેની બોલી અવારનવાર હજીયે બદલાતી રહે છે એટલે સૂતી વખતે તેને ખબર નથી હોતી કે કાલે સવારે ઉઠીને તે કયા એકસેન્ટમાં વાત કરતી હશે.

(11:44 am IST)