Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

૧૯૮ કર્મચારીઓ વચ્ચે ૭૦ કરોડ રૂપિયાનું બોનસ મળ્યું

ન્યુયોર્ક,તા.૧૩: જેમ આપણે ત્યાં દિવાળીમાં બોનસ આપવાનો રિવાજ છે એમ પશ્યિમના દેશોમાં ક્રિસમસ આવે ત્યારે કંપનીના કર્મચારીઓને ભેટરૂપે કંઈક આપવાનો શિરસ્તો બની રહ્યો છે. અમેરિકાના મેરિલેન્ડ રાજયની રિયલ એસ્ટેટ કંપનીએ વાર્ષિક હોલિડે પાર્ટીમાં તેમના કર્મચારીઓને એવું બોનસ આપ્યું કે બધાના ચહેરા ખીલી ઊઠ્યા. સેન્ટ જોન પ્રોપર્ટીઝના માલિકે તેના ૧૯૮ કર્મચારીઓની વચ્ચે ૧૦ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૭૦ કરોડ રૂપિયા બોનસરૂપે વહેંચ્યા હતા. પ્રેસિડન્ટ લોરેન્સનું કહેવું હતું કે કંપનીના ગ્રોથમાં કર્મચારીઓનો બહુ મહત્વનો ફાળો હોવાથી આ રાશિ માત્ર તેમના પ્રત્યે આભાર વ્યકત કરવા માટે અપાઈ છે. કંપનીએ તમામ કર્મચારીઓને બોનસ લાલ રંગના કવરમાં આપ્યું હતું. જેમાં દરેક વ્યકિતને તેમના કામ અને હોદ્દા અનુસાર ૧૦૦ ડોલરથી લઈને ૨.૭૦ લાખ ડોલર સુધીનું બોનસ આપવામાં આવ્યું હતું. જો ૧૯૮ કર્મચારીઓ વચ્ચે ૭૦ કરોડ રૂપિયાની વહેંચણીની સરેરાશ કાઢવામાં આવે તો કંપનીએ કર્મચારી દીઠ ૩૫.૪ લાખ રૂપિયા આપ્યા કહેવાય. સૌથી નવાઈની વાત એ હતી કે કંપની કર્મચારીઓને આટલું તોતિંગ બોનસ આપવાની છે એ વાતની કોઈને છેલ્લી દ્યડી સુધી પણ ખબર નહોતી. આ કંપનીએ ૧૪ વર્ષના ગાળામાં ૨૦૦ લાખ સ્કવેર ફુટનું કન્સ્ટ્રકશન કર્યું છે. બોનસની જાહેરાતથી કર્મચારીઓ બહુ ખુશ હતા. જે કર્મચારીઓ ૧૪ વર્ષથી તેમની સાથે હતા તેમને ૩૫ લાખથી વધુ રકમ મળી હતી એ જોઈને પહેલાં તો બધા જ અવાચક થઈ ગયા હતા.

(3:16 pm IST)