Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સુંદર દેખાવા માટે ફાયર થેરેપી લે છે વિયેતનામના લોકો : ઘણી બીમારીઓ ઠીક થયાનો દાવો

ચહેરા પર આલ્કોહોલ યુકત ટોવેલ પર ૩૦ સેકન્ડથી એક મિનિટ સુધી આગ લગાવાય છે

હનોઇ, તા. ૧૩ : વિયેતનામમાં પુરૂષો અને મહિલાઓમાં સુંદર દેખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. તેને જોતા સ્પા અને સલૂનમાં ફાયર ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. આ માટે ચહેરા પર એક ટોવેલ નાખીને તેના પર આગ લગાવાય છે. આવું લગભગ ૩૦ સેકન્ડી એક મિનિટ સુધી કરવામાં આવે છે. દાવો કરાય છે કે થેરેપીથી તમારી ત્વચાની સુંદરતા વધી જાય છે. માથાનો દુઃખાવો, અનિદ્રા અને શરીરના દર્દમાં પણ રાહત મળે છે તેમજ પાચન તંત્ર પણ ઠીક રહે છે.

ફાયર ટ્રિટમેન્ટ માટે એક ખાસ ટેકનિક અપનાવાય છે. તેમાં આલ્કોહોલ છાંટેલા ટોવેલથી ચહેરાને ઢાંકી દેવાય છે. આગ ચહેરાને નુકસાન ન પહોંચાડે તે માટે અન્ય એક ટોવેલ નીચે પણ રખાય છે. હજુ સુધી આ ટ્રિટમેન્ટથી કોઇને પણ નુકસાન થયાના સમાચાર આવ્યા નથી.

દાવો કરાય છે કે ફાયર ટ્રિટમેન્ટથી ચહેરાની કોશિકાઓમાં વાઇબ્રેશન થાય છે જેના કારણે તમે સુંદર દેખાવ છો. ટોવેલ પર નાખવા માટે જે આલ્કોહોલનો ઉપયોગ થાય છે તેને સ્પેશિયલ એલિગ્ઝર કહે છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ટ્રિટમેન્ટથી ત્વચાની કરચલીઓ ઓછી કરી શકાય છે. આ થેરેપી ચહેરાની સાથે સાથે સંપૂર્ણ શરીરને પણ અપાય છે. સાથે સાથે તેનાથી મેદસ્વીતા અને તાવનો પણ ઇલાજ કરી શકાય છે. ચીનમાં તેને ફલેમ ફેશિયલ પણ કહેવાય છે.

એક મહિલાએ જણાવ્યું કે તેના માથામાં ખૂબ જ દુખાવો રહેતો હતો, પરંતુ આ ટ્રિટમેન્ટ બાદ તે દુખાવો ગાયબ થઇ ગયો છે. આ ટ્રિટમેન્ટ ટ્રેઇન્ડ થેરેપિસ્ટ દ્વારા કરાય છે તેથી સુરક્ષિત છે.

(4:20 pm IST)