Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જમાલ ખશોગીની ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યર તરીકે કરી પસંદગી

મેગેઝીને પત્રકારોને સત્યના રક્ષક ગણાવ્યા છે

વોશિંગ્ટન તા. ૧૩ : ટાઈમ મેગેઝીને ૨૦૧૮ના પર્સન ઓફ ધ યર માટે ચાર પત્રકારો અને એક મેગેઝીનની પસંદગી કરી છે. આમાં ઈસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજય દૂતાવાસમાં ઓકટોબરમાં માર્યા ગયેલા પત્રકાર જમાલ ખશોગીના નામનો પણ સમાવેશ છે. આ વર્ષે ટાઈમ મેગેઝીનની આ યાદીમાં ઘણા એવા પત્રકાર પણ છે જેમની કાં તો હત્યા કરી દેવામાં આવી અથવા તો તેમને પોતાના કામ માટે સજા અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો.

મેગેઝીને પત્રકારોને સત્યના રક્ષક ગણાવ્યા છે. જમાલ ખશોગી સાથે આ યાદીમાં ફિલિપીનની પત્રકાર મારિયા રેસા, રોયટરના સંવાદદાતા વા લોન અને કયાવ સો ઓ નો સમાવેશ થાય છે. આ સીવાય મેરીલેન્ડના એનાપોલિસથી નિકળનારા સમાચાર પત્રના એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. આમાં તે પત્રકારો સમાવિષ્ટ છે જેઓ જૂનમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. ટાઈમ મેગેઝીન દ્વારા અલગ અલગ કવર વાળા મેગેઝીન પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રત્યેક મેગેઝીનમાં અલગ-અલગ સન્માનિતોને દેખાડવામાં આવ્યા છે.

જમાલ ખશોગીની ઈસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજય દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. જમાલ ખશોગીનો જન્મ ૧૩ ઓકટોબર ૧૯૫૮ના રોજ સાઉદીના ધાર્મિક શહેર મદીનામાં થયો હતો. જમાલનો પ્રાથમિક અભ્યાસ સાઉદીમાં થયો હતો. તેમણે ૧૯૮૩માં અમેરિકાના ઈન્ડિયાના વિશ્વ વિદ્યાલયમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તેઓ પત્રકારત્વમાં આવી ગયા હતા. જમાલ ખાશોગી ડોડી ફયાદના ભાઈ હતા. ફયાદ પ્રિન્સીઝ ડાયનાના બોયફ્રેન્ડ હતા જેમનું મૃત્યુ ડાયના સાથે જ પેરિસમાં થયેલા એક કાર એકસીડન્ટમાં થયું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘની સેનાઓ અને મુઝાહિદ્દીનો વચ્ચે થયેલા સંઘર્ષનું રિપોર્ટિંગ કરતા સમયે તેઓ પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. જમાલ ખશોગીને ૨૦૦૩માં સાઉદી અરબના સૌથી ચર્ચિત સમાચાર પત્ર અલ-વતનના સંપાદક તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. પરંતુ પોતાના ક્રાંતિકારી વિચારોને લઈને તેઓ આ પદ પર વધારે ટકી ન શકયા.

સાઉદી શાસન વિરુદ્ઘ ખુલીને લખવાને લઈને જમાલ ખશોદીને સાઉદી અરેબિયા છોડવું પડ્યું હતું. ખશોદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનની નીતિઓના આલોચક હતા અને તેમણે પોતાના કેટલાક મીત્રો અને રિપોર્ટર્સને જણાવ્યું હતું કે સાઉદી અરબમાં હવે હું અસુરક્ષિત હોય તેવી મને અનુભૂતિ થાય છે.

Al Jazeera TV ના માર્ચમાં પ્રસારિત થયેલા એક શો માં તેમણે જણાવ્યું હતું કે હવે હું સાઉદી છોડી દઈશ કારણ કે મારી ધરપકડ થાય તે મને પસંદ નથી. મને બેવાર નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે કારણ કે હું બદલાવ લાવવાના પક્ષમાં લખી રહ્યો હતો.(૨૧.૫)

(11:40 am IST)