Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

યુરોપમાં ફરી કોરોનાએ ઉચક્યું માથું:નેધરલેન્ડમાં 3 સપ્તાહનું લોકડાઉન

નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોના કારણે ઘણાં દેશોમાં ફરીથી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને યુરોપમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 3 હજાર 662 અને છેલ્લાં એક સપ્તાહમાં 20 લાખ કુલ કેસ નોંધાયા છે. નેધરલેન્ડ્સની સ્થિતિ ખરાબ થતા જોઈને શનિવાર સાંજથી અહીં 3 સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેસ્ટોરાં અને બિન જરૂરી સામાનની દુકાનો વહેલી બંધ કરવામાં આવશે. તે ઉપરાંત મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં દર્શકોની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નેધરલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 16,204 કેસ નોંધવામાં આવ્યા છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ 90 હજારથી વધારે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકામાં 90 હજાર 208 કેસ અને એના આગળના દિવસે 90 હજાર 754 કેસ નોંધાયા છે. અહીં રોજ એક હજારથી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ, યુરોપના દેશોમાં પણ કોરોના વકરી રહ્યા છે. બ્રિટનમાં ગઈકાલે 40 હજાર 375 કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રિયામાં વેક્સિન ન લેનારને ઘરોમાં બંધ કરાયા છે.

 

(5:19 pm IST)