Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો અત્યાચાર તીવ્ર બન્યો

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળતાની સાથે જ તેમના અત્યાચારો તીવ્ર બન્યા છે. દેશમાં શરિયા કાયદાનાં અમલની વાત કરી ચૂકેલા તાલિબાનનાં અનેક અત્યાચારો દર્શાવતા વીડિયો-ફોટા વાયરલ થયા છે. પત્રકારોની નિર્દયતાથી મારપીટ અને ક્યારેક ભૂતપૂર્વ પોલીસકર્મીની હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ હવે નવો વીડિયો વાયરલ થયો છે. વીડિયો કારની પાછળનો હોવાથી, તે સ્પષ્ટ દેખાતો નથી, માત્ર અવાજ આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં તાલિબાન સૈનિકો મહિલાઓને લાકડીથી મારી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક એવી જગ્યાએ ભેગા થયા છે જ્યાં જિપ્સી ઉભી છે. અહીં એક માણસ કોઇને લાકડીથી મારી રહ્યો છે અને જેને તે લાકડી મારી રહ્યો છે તેનો અવાજ મહિલાનો જ લાગી રહ્યો છે. જોકે, આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે સ્પષ્ટ થયુ નથી. અગાઉ તાલિબાન લડવૈયાઓએ તાલિબાન શાસનનો વિરોધ કરી રહેલી મહિલા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં એક રેલીને વિખેરવા માટે મંગળવારે ગોળીબાર કર્યો હતો અને પ્રદર્શનને આવરી લેતા કેટલાક અફઘાન પત્રકારોની ધરપકડ કરી હતી. એક પત્રકારે કહ્યું, 'તેઓએ (તાલિબાન) મને જમીન પર નાક ઘસવા દબાણ કર્યું અને પ્રદર્શનને આવરી લેવા બદલ માફી માંગાવી.' એક કિસ્સામાં, જર્મન પ્રસારણકર્તા ડોઇશ વેલેએ અહેવાલ આપ્યો કે તાલિબાન લડવૈયાઓએ તેમના એક પત્રકારને પકડવા માટે ઘરે-ઘરે જઇને શોધખોળ કરી હતી. અંતમાં તેના પરિવારનાં સભ્યને ગોળી મારી દીધી હતી.

(6:09 pm IST)