Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ઉંમર વધારવાની ફોર્મુલા

દરરોજ ૭૦૦૦ સ્ટેપ્સ ચાલવાથી નાની ઉંમરે મૃત્યુનું જોખમ ૫૦થી ૭૦ ટકા ઘટે છેઃ વ્યકિતનું આયુષ્ય થાય છે લાંબુ

નવી દિલ્હી, તા.૧૩: લાંબા જીવન માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી ખૂબ જ જરૂરી છે. ખાવાની ટેવ અને અનહેલ્ધી આદતો વ્યકિતના જીવન પર સીધી અસર કરે છે. એક નવી સ્ટડી મુજબ દરરોજ ૭૦૦૦ સ્ટેપ્સ ચાલવાથી નાની ઉંમરે મૃત્યુનું જોખમ ૫૦થી ૭૦ ટકા દ્યટે છે. આ સ્ટડી JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઇ છે.

ફિઝિકલ એકિટવિટી એપિડેમાયોલોજિસ્ટ અને સ્ટડીના મુખ્ય લેખક અમાન્દા પાલુચે જણાવ્યું હતું કે ૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ ચાલવાથી અથવા ઝડપી ચાલવાથી કોઈ વધારાના ફાયદાના પુરાવા નથી. તેમણે જાપાનીઝ પેડોમીટર માટે લગભગ એક દાયકા જૂની માર્કેટિંગ ઝુંબેશના ભાગરૂપે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનું વર્ણન કર્યું.

તેના માટે સંશોધકોએ કોરોનરી આર્ટરી રિસ્ક ડેવલપમેન્ટ ઇન યંગ એડલ્ટ (CARDIA) સ્ટડીમાંથી ડેટા લીધો છે, જે ૧૯૮૫માં શરૂ થયો હતો અને સંશોધન હજુ ચાલુ છે. ૩૮થી ૫૦ વર્ષની વયના આશરે ૨,૧૦૦ વોલન્ટિયર્સને ૨૦૦૬માં એકિસલરોમીટરથી સજ્જ કરવામાં આવ્યા હતા. પછી લગભગ ૧૧ વર્ષ સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી.

ત્યારબાદ ૨૦૨૦-૨૧માં તેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તેમાં સામેલ વોલન્ટિયર્સને ત્રણ અલગ અલગ ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા. પ્રથમ લો સ્ટેપ વોલ્યુમ (દરરોજ ૭,૦૦૦થી ઓછા સ્ટેપ્સ), બીજું મધ્યમ (૭,૦૦૦-૯,૦૦૦ સ્ટેપ્સ) અને ત્રીજું હાઈ (૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ).

સ્ટડીના આધારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વોલન્ટિયર્સ કે જેઓ દરરોજ ૭,૦૦૦થી ૯,૦૦૦ સ્ટેપ્સ ચાલે છે તેમના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થયો છે. પરંતુ જે લોકો દરરોજ ૧૦,૦૦૦થી વધુ સ્ટેપ્સ ચાલતા હતા તેમના સ્વાસ્થ્યને કોઈ વધારાનો લાભ મળ્યો નથી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો દરરોજ સરેરાશ ૭,૦૦૦ સ્ટેપ્સ ચાલે છે તેમને કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ ૫૦થી ૭૦ ટકા ઓછું હોય છે.

(3:30 pm IST)