Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઉંઘ ને મેમરી પર ડિપ્રેશનના દરદીઓને સૌથી વધારે અસર

લંડન, તા. ૧૩ : ડિપ્રેશનના દરદીઓને ખરાબ વિચારો આવે છે અને તેમને ઉંઘ પણ બરાબર આવતી નથી. મગજની ટુંકા ગાળાની સ્મૃતિ, પોતાના વિશેની લાગણી તથા નકારાત્મક લાગણીને પણ ડિપ્રેશન સાથે સંબંધ હોવાનું એક સ્ટડીમાં જાણવા મળ્યું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના સંશોધક જિયાન્ફેન્ગ ફેંગે આ વિશે જણાવ્યું કે, 'ડિપ્રેશન ધરાવતા ૭પ ટકા લોકોની ઉંઘમાં ખલેલ પડવાનું પ્રમાણ નોંધપાત્ર હોય છે. ડિપ્રેશન ધરાવતી વ્યકિતોને ઉંઘ આવવામાં પણ મુશ્કેલી પડે છે અને ઉંઘનું પ્રમાણ અને સમયગાળો પણ ઓછા હોય છે. એકંદરે તેમનામાં અનિદ્રાના તમામ લક્ષણો જણાય છે. '

જિયાન્ફેન્ગ ફેંગે અનિદ્રા અને ડિપ્રેશન વિશે જણાવ્યું હતું કે, 'પૂરતી અને સર્વસામાન્ય પ્રમાણમાં ઉંઘ લેતા લોકોની તુલનામાં અનિદ્રાની વ્યાધિ ધરાવતા લોકોને ડિપ્રેશન કે વારંવાર ચિંતાતુર માનસિક સ્થિતિની વ્યાધિ થવાની સંભાવના વધારે રહે છે. ડિપ્રેશનમાં એક જ વિચારો વારંવાર વાગોળવાની મનઃસ્થિતિ શાંતિભર ઉંઘ આવવા દેતી નથી. ડિપ્રેશન ધરાવતા લોકોના મગજના બાહ્ય આવરણના વિવિધ ભાગો ટૂંકા ગાળાની સ્મૃતિ અને નકારાત્મક વિચારો સાથે સંબંધિત હોવાનું નોંધાયું છે. '

(4:09 pm IST)