Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

૧૦ વર્ષ પહેલા દારૂ પીધેલો એની સજા થઈ ૮૦ કોરડા

તહેરાન, તા. ૧૩ :. ઈરાનના કાશ્મર ટાઉનમાં મંગળવારે એક યુવાનને જાહેરમાં ૮૦ કોરડા ફટકારવાની સજા થઈ. આમ તો આએ દિન અહીં લોકોને નાના-મોટા ગુનાસર ચાબુક ફટકારવાનો દંડ થાય છે, પરંતુ આ સજા ખાસ એ માટે હતી કેમ કે આ યુવકે કરેલો ગુનો કંઈ આજકાલનો નહોતો.

એમ.આર. તરીકે જાણીતા આ યુવકને પહેલા તો ઝાડ સાથે કચકચાવીને બાંધી દેવામાં આવ્યો અને પછી તેની પીઠ પર ૮૦ ચાબુક ફટકારવામાં આવી. તેનોે ગુનો એટલે હતો કે તે ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે દારૂ પીધો હતો. ઈરાન કોઈ પણ ગુના માટે ચટ મંગની અને પટ બ્યાહની જેમ ઈન્સ્ટન્ટ સજા કરી દેવા માટે જાણીતું છે, તો પછી ૧૦ વર્ષ પહેલાની આ ઘટનાને હાલમાં યાદ કરીને શા માટે આટલી મોડી સજા ફરમાવવામાં આવી એ હાલમાં મોટો કોયડો છે. આરોપી યુવક ઘટના સમયે માત્ર ૧૪ વર્ષનો હતો અને કોઈકના લગ્નપ્રસંગમાં તેણે બીજા અનેક લોકોની સાથે દારૂ પીધો હતો. જો કે આ લગ્નમાં દારૂ પીધા પછી કોઈ બે જુથ વચ્ચે હાથાપાઈ થઈ અને એમાં ૧૭ વર્ષનો ટીનેજર મરી ગયો હતો. એ વખતે લગ્નમાં દારૂ પીનારા બધાને સજા કરવામાં આવી હતી, પણ આ છોકરો રહી ગયો હતો.

ઈરાનના કાનૂનના રખેવાળોનું કહેવું હતુ કે ગુનો એ ગુનો છે અને ગુનો આચરનાર ચાહે કોઈપણ ઉંમરનો હોય તેને સજામાંથી બાકાત  રાખી  ન  શકાય. (૨-૪)

(10:21 am IST)