Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મહિલાઓ ચેતી જજો...: રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સુતા હો તો સ્થુળતા વધવાની શકયતા છે!!!

જેએએમએ ઈન્ટરનલ મેડિસીનમાં પ્રકાશીત રિસર્ચનું તારણઃ ૪૪ હજાર મહિલાઓ ઉપર સ્ટડી કરાયુ :રાત્રે ટીવી, મોબાઈલ, સ્ટ્રીટ લાઈટ અને ઘર પાસેથી પસાર થતી કારનો કૃત્રિમ પ્રકાશ મોટાપો વધારી શકે છે

વોશીંગ્ટનઃ જો તમે રાતે ટીવી અથવા લાઈટ ચાલુ રાખીને સુઈ જાવ છો તો તે તમારા માટે ખતરા સમાન છે. જેએએમએ ઈન્ટરનલ મેડીસીન જનરલમાં પ્રકાશીત થયેલ રિસર્ચમાં જણાવ્યા મુજબ રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સુતી મહિલાઓને મોટાપો વધવાનો ખતરો થઈ શકે છે. આ રિસર્ચમાં રાતે કૃત્રીમ પ્રકાશમાં સુતા સમયે અને મહિલાઓના વજન વધવા વચ્ચેના સંબંધ અંગે સામ્યતા હોવાનું જણવા મળ્યું છે.

આ રિસર્ચ ૪૪ હજાર જેટલી મહિલાઓ ઉપર કરાયેલ જે રાતે ટીવી ચાલુ રાખી સુઈ જતી હતી. રિસર્ચકર્તાઓએ દાવો કર્યો છે કે રાત્રે કૃત્રિમ પ્રકાશ જેવા કે ટીવી, મોબાઈલ, સ્ટ્રીટ લેમ્પ અને ઘર પાસેથી પસાર થતી કારની લાઈટ પણ જાડાપણું વધારવા માટે જવાબદાર છે.

રિસર્ચમાં નિર્ષ્કશ નિકળેલ કે રાતે સુતા સમયે લાઈટ બંધ કરવાથી મહિલાઓની જાડા થવાની સંભાવના ઘટી જાય છે. અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાએ સિસ્ટર સ્ટડીમાં ૪૪ હજાર મહિલાઓની પ્રશ્નાવલીના ડેટાના ઉપયોગ દ્વારા સ્તન કેન્સર અને અન્ય બીમારીઓ માટે ખતરારૂપ બાબતોનું અધ્યયન કરવામાં આવેલ. પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલ કે શું મહિલાઓ રાતના કોઈપણ પ્રકાશ વગર, હળવા પ્રકાશ, રૂમમાં બહારથી આવતા પ્રકાશ અથવા ટીવીના પ્રકાશમાં સુવે છે.

આ ડેટાનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક સ્થુળતા અને રાત્રે કૃત્રિમ પ્રકાશમાં સુવાવાળી મહિલાઓના વજન વધવા વચ્ચેના સંબંધનું અધ્યયન કરી શકયા. આ અધ્યયનમાં જાણવા મળેલ કે હળવા પ્રકાશમાં સુતેલ મહિલાનું  વજન નથી વધતુ જયારે ટીવી અથવા વધારે પ્રકાશમાં સુવે છે તેનું ૫ કિલો વજન વધવાની સંભાવના૧૭ ટકા હોય છે.

નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ ઈન નોર્થ કેરોલીનાના પ્રોફેસર ડો.ડેલ સેન્ડબરના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્થુળતાનો ખતરો વધી ગયો છે. વધુ કેલેરી વાળા ખોરાક અને જીવનશૈલીના કારણે મહિલાઓમાં ઝડપથી સ્થુળતા વધી રહી છે. અમારી શોધમાં જાણમાં મળ્યુ કે રાત્રે કૃત્રિમ પ્રકાશના કારણે પણ મહિલાઓમાં વજન વધવાનુું પ્રમાણ વધ્યું છે. રાત્રે કૃત્રિમ પ્રકાશના કારણે ''મેલાટોનિન સિગ્નલીંગ''માં સમસ્યા સર્જાય છે. જેથી ઓછી ઉંઘ અને ''જૈવિક ઘડીયાળ''માં ગડબડી થાય છે.

સંશોધનકર્તાઓએ એ પણ જણાવેલ કે રાત્રે સુતા સમયે કૃત્રિમ પ્રકાશ રાખવાથી તનાવ વધે છે અને પાચન સંબંધી પ્રક્રિયામાં પણ સમસ્યા આવે છે. આ બધા કારણોથી સ્થુળતામાં વધારો થઈ રહ્યો છે. પહેલાના રિસર્ચોમાં ઓછી ઊંઘને સ્થુળતા વધારવા  માટે જવાબદાર માનવામાં આવ્યું છે, પણ આ પહેલી શોધ છે. જે કૃત્રિમ પ્રકાશ અને સ્થુળતા વચ્ચેના સંબંધને સ્થાપીત કરે છે.

(3:42 pm IST)