Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ચીનમાં ટેક ઓફ દરમ્યાન વિમાન લપસી જતા ભભૂકેલ આગમાં 40 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચીનની તિબેટ એરલાઈન્સનું વિમાન ચોંગકિંગના એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન રેન-વે પરથી ઉતરી ગયું હતું. વિમાન લપસી જતાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૪૦ને ઈજા પહોંચી હતી. વિમાનમાં ૧૧૩ મુસાફરો અને ૯ ક્રુ મેમ્બર્સ સહિત કુલ ૧૨૨ લોકો સવાર હતા.દુર્ઘટનાની તપાસનો આદેશ અપાયો છે. ચીનની તિબેટ એરલાઈન્સના વિમાનનો ચોંગકિંગના એરપોર્ટમાં અકસ્માત થયો હતો. વિમાન ટેક-ઓફ કરી રહ્યું હતું એ વખતે અચાનક રન-વે પરથી ઉતરી ગયું હતું. વિમાન રનવે પરથી ઉતરીને પલટી ગયું હતું, એ દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં ૪૦ મુસાફરોને ઈજા પહોંચી હતી. જોકે, એરપોર્ટ ઓથોરિટીએ તુરંત બચાવ કામગીરી શરૃ દેતા વિમાનમાં સવાર નવ ક્રુ મેમ્બર્સ સહિત ૧૨૨ લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું હતું. ઘાયલ થયેલા તમામ ૪૦ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીનની તિબેટ એરલાઈન્સનું વિમાન ચીનના ચોંગકિંગ શહેરથી તિબેટના ન્યીંગચી શહેર જવા માટે નીકળ્યું હતું. એમાં ૧૧૩ મુસાફરો સવાર હતા અને ૯ ક્રૂ મેમ્બર્સ હતા. ચીનના સિવિલ એવિએશન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે દુર્ઘટના બાબતે તપાસનો આદેશ અપાયો છે. તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢીને તેમના મેડિકલ ટેસ્ટિંગ થયા હતા. એરપોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માતના દૃશ્યો કેદ થઈ ગયા હતા. આ વિડિયો ચીન અનેે તિબેટના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિમાનમાં આગ લાગી જતાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક અસરથી બધી જ ફ્લાઈટ રદ્ કરી દીધી હતી.

 

(5:30 pm IST)