Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કેનેડામાં ૪૩ વર્ષના શખ્સે ૧૯ વર્ષના ભાણાની હત્યા કરી નાખી

યુવાન અલ્બર્ટા ઈન્સ્ટિટ્યુટમાં ભણતો હતો : વાસ્તવમાં આરોપી મહિલાને મારવા માંગતો હતો પરંતુ ૧૯ વર્ષીય ભાણો શિકાર બન્યો, પોલીસે આરોપીને ઝડપ્યો

ટોરેન્ટો, તા.૧૩ : કેનેડામાં એક ૪૩ વર્ષીય વ્યક્તિ પર પોતાના ૧૯ વર્ષીય ભાણાની ગોળી મારીને હત્યા કરવાનો અને પોતાની પત્ની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એડમોંટનમાં પોતાના ભાણા હરમનજોત સિંહ ભટ્ટલને ગોળી મારનારા તેમજ પોતાની પત્ની સતવીર કૌર બરાડને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરનારા ગમદુર સિંહ બરાડ પર ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે હરમનજોત સિંહ ભટ્ટલ ડિસેમ્બર, ૨૦૧૮માં પંજાબના બરનાલા જિલ્લાના ભટ્ટલ ગામથી સ્ટડી વિઝા પર કેનેડા આવ્યો હકો. તે પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. કેનેડામાં તે અલ્બર્ટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ભણતો હતો અને પોતાના મામા સાથે રહેતો હતો.

રિપોર્ટ્સ અનુસાર, આરોપીની પોતાની પત્ની સાથે લડાઈ થઈ અને તેણે વાહનમાં આગ લગાવી દીધી, જેમાં તેની પત્ની ભટ્ટલ સાથે મુસાફરી કરી રહી હતી. ભટ્ટલ અને સતવીરને ઈજાગ્રસ્ત કર્યા પછી ગમદુર ઘટનાસ્થળથી ભાગી ગયો હતો. આ ઘટના શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્યે એડમોન્ટનના શેરવુડ પાર્ક વિસ્તારમાં બની હતી.

અહીં તાત્કાલિક રોયલ કેનેડિટન માઉન્ટેડ પોલીસના અધિકારી પહોંચ્યા હતા. ભટ્ટલનો જીવ જતો રહ્યો હતો, પરંતુ મહિલાનો હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેની સ્થિતિ ગંભીર છે. વાસ્તવમાં આરોપી મહિલાને મારવા માંગતો હતો પરંતુ ૧૯ વર્ષીય ભાણો શિકાર બની ગયો. પોલીસે પછીથી આરોપીની ધરપકડ કરી અને તેને અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી ૧૨ જૂનના રોજ થશે. આરોપીને જામીન આપવામાં નથી આવ્યા. આ દરમિયાન ભટ્ટલના પાર્થિવ શરીરને ભારત મોકલવા માટે પૈસા એકત્રિત કરવા માટે ગોફંડમી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

(9:00 pm IST)