Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઋષિઓના ગુરૂકુળ જેવો પ્રકૃતિના પાઠ ભણાવતો શિક્ષણ પ્રયોગ ચાલે છે ઇંગ્લેન્ડમાં

લંડન તા. ૧૩: ભારતમાં ગામડામાં ખેતરમાં પાર્ટટાઇમ કા કરતા, ઢોર ચરાવતા, નદી-તળાવમાં નાહવા ખાબકી પડતા, આમલીનાં કાતરાં અને ફળો તોડીને ખાતા અને ઝાડ પર ચડ-ઉતર કરતા વિદ્યાર્થીઓને પછાત ગણવામાં આવતા હતા અને કિશક્ષકો કે અન્ય વિદ્યાર્થીઓનાં માતા-પિતાને તેમના પ્રત્યે અણગમો પણ રહેતો હતો. જોકે સદીઓ પૂર્વે ઋષિઓનાં ગુરૂકુળોમાં પ્રકૃતિથી વહીવટ, સંરક્ષણ અને ગણિતના પાઠ પણ ભણાવાતા હતા. આધુનિક શિક્ષણ એ બધી બાબતોથી ઘણું દૂર થઇ ગયું છે.

ઇંગ્લેન્ડની નોર્ફોક કાઉન્ટીના નોર્વિચ શહેરના ઉપનગર એઇલશેમમાં ડેન્ડેલિયન એજયુકેશન કોમ્પ્લેકસમાં નર્સરી અને આગળનાં ધોરણોનું શિક્ષણ કુદરતના સાંનિધ્યમાં આપવામાં આવે છે. કુદરતના સાંનિધ્યને કારણે ત્રણથી પાંચ વર્ષનાં બાળકો એટલાં સમજદાર હોય છે કે શેરોની સ્કૂલોના વિદ્યાર્થીઓનાં માતા-પિતાને આશ્ચર્ય થાય. બાળકોની રોકકળ અને શિક્ષકોની રાડારાડ ભાગ્યે જ જોવા મળે. એ નર્સરીનાં ત્રણ વર્ષનાં ટાબરિયાં પાંચ વર્ષના છોકરાઓ કરતાં વધારે સમજુ અને શાંત છે. એજયુકેશન કોમ્પ્લેકસમાં પ્લાસ્ટિક કયાંય નથી. બાંકડા પણ અદ્યતન પ્લાયવુડ કે ફાઇબર જેવા મટીરિયલના નથી, દેશી લાકડાના છે. બાળકોને મુખ્ય પાઠયપુસ્તકોના પાઠોની સાથે-સાથે પશુ-પક્ષીઓની જાતિઓ, વનસ્પતિના પ્રકાર અને ગુણો વિશે પણ જ્ઞાન આપવામાં આવે છે. ઝાડ પર ચડ-ઉતર કરવાનું શીખવવામાં આવે છે. સ્વતંત્રતા અને જવાબદારી સાથે આપવામાં આવતાં બાળકો પોતાની કાળજી રાખતાં આપોઆપ શીખે છે, એવું ડેન્ડેલિયન એજયડુકેશનના સંચાલકોનું માનવું છે. બાળકો આપોઆપ શિસ્ત અપનાવે છે. શિક્ષકો કે મોટેરાઓએ ટકોર કરવાની ભાગ્યે જ જરૂર પડે છે.

ડેન્ડેલિયન એજયુકેશનના શિક્ષકો કહે છે કે 'જે વિદ્યાર્થીઓએ નદી, તળાવ, જંગલ, પહાડ, ઝાડી-ઝાંખરા, જંગલી અને પાળેલાં પશુ-પક્ષીઓને જોયાં, સમજયાં અને માણ્યાં ન હોય તેમનાં વૃદ્ધિ અને વિકાસ કેવાં હોય? જે કાદવ કે ઘાસ પર ચાલ્યા ન હોય, દરિયાકિનારે ફર્યા ન હોય, દૂધ, મધ કે રેશમ કયાંથી આવે છે એની ખબર ન હોય, પશુ-પક્ષીઓના સ્વભાવ જાણતા ન હોય તેમનું શિક્ષણ કેવું ગણાય?

(11:33 am IST)