Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમેરિકા સામે ચીનનો વળતો જવાબ: ડાઉ જોન્સમાં 500 પોઇન્ટનો કડાકો :યુરોપિયન માર્કેટ પણ અસર

ચીને પણ અમેરિકાની 60 અબજ ડોલરના મૂલ્યની આયાત થતી પ્રોડક્ટ ઉપર ઊંચી ટેરિફ લાદી

બીઇજિંગઃ અમેરિકા અને ચીન વચ્ચેનો ટેરિફ વોર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે જે સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે ઘાતક પૂરવાર સાબિત થઇ શકે છે. ગત સપ્તાહે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હરકતનો વળતો જવાબ આપતા આજે ચીને પણ અમેરિકાની 60 અબજ ડોલરના મૂલ્યની આયાત થતી પ્રોડક્ટ ઉપર ઊંચી ટેરિફ લાદી છે.

ચીનના નાણાં મંત્રાલયે કહ્યું કે લગભગ 60 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી અમેરિકાની 5140 પ્રોડક્ટ ઉપર 5થી 25 ટકાની રેન્જમાં ઇમ્પોર્ટ ટેરિફ લાદવામાં આવે છે. આ ઇમ્પોર્ટ ટેરિફ આગામી 1લી જૂનના રોજથી અમલી બનશે.

ટ્રમ્પની ચેતવણીનો વળતો જવાબ આપતા ચીને જણાવ્યું હતું કે તેઓ ક્યારેય બાહ્ય દબાણમાં આવીને શરણાગતિ કરશે નહીં. જો કે હજી સુધી આ મુદ્દે અમેરિકાના વ્હાઇટ હાઉસ અને યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવે કોઇ નિવેદન આપ્યું નથી.

ગત સપ્તાહે જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીનને 200 અબજ ડોલરના મૂલ્યની આયાત ઉપર ટેરિફ વધારવાની ચેતવણી આપતા ફરી વૈપાર યુદ્ધ છેડાયું છે. અમેરિકા ચીનને અગાઉ થયેલી વેપાર મંત્રણા વખતે આપેલા વચનો પૂરા કરવા દબાણ કર્યું હતું.

 

ચીન દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉપર ઉંચી ટેરિફ લાદવાના અહેવાલના પગલે અમેરિકન બજારમાં ખુલતાની સાથે મોટો ધબડકો બોલાયો હતો. આ લખાય છે ત્યારે યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ 533 પોઇન્ટના કડાકામાં 25,413ના સ્તરે ક્વોટ થઇ રહ્યો હતો. આવી જ હાલ એસએન્ડપી અને નાસ્ડેક ઇન્ડેક્સની હતી. અમેરિકાનો બેન્ચમાર્ક S&P-500 ઇન્ડેક્સ અને નાસ્ડેક ઇન્ડેક્સ અનુક્રમે 2.1% અને 2.% તૂટ્યા હતા.

 

વેપાર યુદ્ધથી અમેરિકન બજાર ઉપર યુરોપિયન માર્કેટ પણ અભડાયું હતું. ચીનની ઇમ્પોર્ટ ટેરિફની જાહેરાત બાદ જર્મનીનું શેરબજાર 1.6 ટકા, ફ્રાન્સનું બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1.4 ટકા, બ્રિટનનું શેરબજાર 0.6 ટકા ડાઉન હતું. શેરબજારોના કડાકાથી ક્રિપ્ટોકરન્સીને ફાયદો થયો છે. વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાની સામે બિટકોઇન 3.6 ટકાના સુધારામાં 7368 ડોલર બોલાયો હતો. જે છેલ્લા આઠ મહિનાની નજીકનો ઉંચો ભાવ છે.

 

વૈશ્વિક અને સ્થાનિક અનિશ્ચિતત્તા, ગભરાટ વચ્ચે ભારતીય શેરબજારમાં વર્ષ 2011 પછીની સૌથી લાંબી મંદી જોવા મળી અને સેન્સેક્સ-નિફ્ટી સળંગ 9માં ટ્રેડિંગ સેશનમાં રેડ ઝોનમાં બંધ રહ્યાં હતા. જે શેરબજારમાં મંદીની ચેતવણી આપી રહી છે. આજે વળતો જવાબ આપતા અમેરિકન પ્રોડક્ટ ઉપર વધુ ઇમ્પોર્ટ ટેરિફ લાદતા અમેરિકા સહિત યુરોપિયન શેરબજારમાં મોટો ધબડકો બોલાયો હતો. આ વેપાર યુદ્ધથી ભારતીય અર્થતંત્ર અને શેરબજાર બાકાત રહી શકતું નથી. એટલે કે અમેરિકન-યુરોપિયન બજારમાં આવેલા ભૂકંપના આફ્ટર-શોક આવતીકાલ મંગળવારે ભારતીય શેરબજારમાં ચોક્કસ અનુભવાશે.

(9:24 pm IST)