Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

શું આ યુવતીએ બાળક સાથે લગ્ન કર્યા?

લંડન તા. ૧૩ : ગયા અઠવાડિયે મેકિસકોના સોશ્યલ મીડિયા પર એક પુખ્ત મહિલા બાળક સાથે લગ્ન કરી રહી હોય એવી તસવીરો વાઇરલ થઈ હતી. એ તસવીરો પરથી જાતજાતની ચર્ચાઓ ઊખડી. કેટલાકને લાગતું હતું કે આ કદાચ બાળવિવાહનો મામલો છે અથવા તો પછી ચાઇલ્ડ ટ્રાફિકિંગ થઈ રહ્યું છે. કેટલાકને લાગ્યું કે કદાચ આ નકલી લગ્ન અથવા તો મજાક છે. જોકે આવું કશું જ નહોતું. હકીકતમાં તસવીરમાં જે બે જણ દેખાય છે તેમનાં લગ્ન થયાં હતાં. આ તસવીરો પાછળની હકીકત હૃદય ભીંજવી દે એવી છે. વાત એમ છે કે ફોટોમાં જે છોકરો દેખાય છે એનું નામ છે જોનાથન. મેકિસકોના એક નાના ગામમાં તેનાં લગ્ન થયાં હતાં. દેખાવમાં ભલે જોનાથન પ્રાઇમરી સ્કૂલમાં ભણતા બાળક જેવો દેખાતો હોય, પણ તેની ઉંમર છે ૧૯ વર્ષ.

તે જિનેટિક બીમારીથી પીડાતો હોવાથી તેનું કદ વધ્યું નથી અને તેના ચહેરા પરની માસૂમિયત પણ હજી એવી જ છે. આ રોગને કારણે તે જીવનભર બાળક જેવા જ લુકમાં રહેશે એવું ડોકટરો કહે છે. જોકે નવાઈની વાત એ છે કે આ સમસ્યા છતાં તેને પ્રેમ કરનારું પાત્ર મળી ગયું. તેણે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્નનાં વચનો લીધાં હતાં. જયારે સોશ્યલ મીડિયામાં સાચા સમાચાર ફેલાયા ત્યારે બધા આ અનોખા યુગલને જુગ જુગ જિયોના આશીર્વાદ આપવા લાગ્યા.

(3:40 pm IST)