Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કુદરતનો અદભૂત ચમત્કાર !

૧૫૪૨ ફૂટ ઊંચાઇથી પાણીનો વહેતો ઉલટો ધોધઃ તસ્વીર વાયરલ

નવી દિલ્હીઃ દુનિયાભરના લોકો મોટાભાગે સુંદર ધોધ જોવા ના જાણે કયાં-કયાં જતા હોય છે. તેમને એ જ દેખાતું હોય છે કે કોઇ સુંદર પહાડીઓમાં એક સફેદ ઝરણું ખૂબ જ ઊંચાઇ પરથી નીચે પડતું હોય. પરંતુ તાજેતરમાં એક ટ્વીટ આવી જેમાં દેખાય છે કે પાણીનું ઝરણું ઉલટું વહી રહ્યું છે એટલે કે પાણી ઉપરથી નીચે નહીં પરંતુ નીચેથી ઉપર જઇ રહ્યું છે. એ પણ ધરતીના ગુરૂત્વાકર્ષણ શકિતથી વિપરીત. આ અદ્બુત કુદરતી નજારો હંમેશા જોવા મળતો નથી.

 જેની તસ્વીરો અને વીડીયો  વાયરલ થયા છે. આ ઉલટો ધોધ ડેન્માર્કમાં દરિયાઇ સપાટીને અડીને આવેલા ફૈરો આઇલેન્ડના દરિયા કિનારે આવેલો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે અહીં હવામાન ખૂબ જ ખરાબ છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ બધાની વચ્ચે એક કિલફ એટલે કે દરિયાના કિનારે પત્થરથી બનેલી ઊંચાઇવાળી જગ્યા પરથી સફેદ રંગની ધાર ઉપર ઉઠતી દેખાય છે. જે ધીમે-ધીમે કિલફની ઉપર જાય છે. 

આ વીડિયોને ૪૧ વર્ષના સેમી જૈકબસને બનાવ્યો છે. જે ફેરો આઇલેન્ડના સુઓરોયના બેનીસુવોરો કિલફની પાસે આવેલા દરિયાકિનારાનો અદભૂત નજારો હતો. ત્યાં તેમને આ અદભૂત નજારો જોવા મળ્યો અને તેમણે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી.

વીડિયોમાં બેનીસુવોરો કિલક ૪૭૦ મીટર (અંદાજે ૧૫૪૨ ફૂટ) ઊંચો છે. આ ઉલટો ધોધ દરિયાકિનારાથી ઉઠીને ૧૫૪૨ ફૂટ ઊંચા કિલફની ઉપર જતો દેખાય છે. આ વીડિયો અંદાજે ૨૬ સેકન્ડનો છે પરંતુ આ ૨૬ સેકન્ડમાં જ કુદરતનો અદ્બુત નજાર અને તાકાતની ઓળખ થાય છે.

વિજ્ઞાનની ભાષામાં આ વોટર સ્પાઉટ (જળસ્તંભ) કહેવાય છે. આ ત્યારે બને છે જયારે પાણીમાંથી વોર્ટેકસ એટલે કે સમુદ્રી ભંવરમાં ફસાઇને ઉપર ઉઠવા લાગે છે. આ એવી જ ઘટના છે જેમકે ટોરનેડો (બવંડર)માં ફસાઇને વસ્તુ ઉપર ઉઠવા લાગે છે. જયાં સુધી સમુદ્રી ભંવર બનતા રહેશે ત્યાં સુધી પાણી નીચેથી ઉઠીને ઉપર જતું રહેશે.

આ વીડિયોને યુરોપિયન યુનિયન એકસટ્રીમ વેધર નામના ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર શેર કરાયો છે. તેમાં યુરોપિયન હવામાન વિભાગના વૈજ્ઞાનિક ગ્રેગ ડ્યુહસ્ટે કહ્યું કે આ એક બવંડર હતું જે પાણીની ઉપર બને છે. આથી આ ઝડપથી બને છે અને ઝડપથી જ ખત્મ થઇ જાય છે. 

(3:42 pm IST)