Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમેરિકાએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકયું

વોશિંગ્ટન, તા.૧૨: અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં નાંખી દીધું છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ આ મામલે જાણકારી આપી છે. આ પહેલા અમેરિકાએ જાન્યુઆરીમાં પાકિસ્તાનને સ્પેશિયલ મોનિટરીંગ લિસ્ટમાં મુકયું હતું. તે દરમિયાન અમેરિકાએ કહ્યું હતું કે શાંતિ, સ્થાયિત્વ, અને સમૃદ્ઘિ માટે ધાર્મિક સ્વતંત્રતાનું સંરક્ષણ અત્યંત જરુરી છે.

આપને જણાવી દઈએ કે અમેરિકાએ પાકિસ્તાન સહિત સાઉદી અરબ અને અન્ય કેટલાક દેશોને પણ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે બ્લેકલિસ્ટમાં મુકયા છે. આ મામલે પોમ્પિયોએ જણાવ્યું કે અમે અમારા વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન, ચીન, સાઉદી અરબ, મ્યાંમાર, ઈરિટ્રિયા, ઈરાન, ઉત્તર કોરિયા, સૂડાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને કંટ્રીઝ ઓફ પર્ટિકયુલર કન્સર્ન તરીકે ચિન્હિત કર્યું છે.

જાન્યુઆરીમાં પાકિસ્તાન અને કેટલાક અન્ય દેશોને વિશેષ દેખરેખ યાદીમાં મુકતા સમયે અમેરિકાએ કહ્યું હતું કે દ્યણા દેશોની સરકારો લોકોને તેમના ધર્મ અને આસ્થામાં બદલાવ કરવાની સાથે-સાથે એક વિશેષ ધર્મ અપનાવવા માટે પણ મજબૂર કરી રહી છે.

(5:28 pm IST)