Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૧૩II કરોડ વર્ષથી પૃથ્વી ઉપર ધબકતી મધમાખીઓનું નિકંદન નિકળી રહ્યું છે

માનવનું અસ્તિત્વ ૨II લાખ વર્ષથી છેઃ મધમાખી નષ્ટ થાય તો લોકો માત્ર ૪ વર્ષ જીવી શકે !!!

વિશ્વના પ્રખ્યાત વિજ્ઞાની અલ્બર્ટ આઇન્સ્ટાઇને એક વાર એમ કહ્યું હતું કે જો આ દુનિયા પરથી મધમાખીઓ ખતમ થઈ જાય તો એના પછી મનુષ્યો માત્ર ૪ વર્ષ જીવી શકે. તેમના આ નિવેદનને કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે નહીં એની જાણ નથી પણ આટલા મોટા વિજ્ઞાનીએ જે કહ્યું છે એ ખોટું માનવાને પણ કોઈ આધાર નથી. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૬ વચ્ચે મધમાખીઓમાં કોલોની કોલેપ્સ ડિસોર્ડર નામનો રોગ જોવા મળ્યો હતો અને એના કારણે મધમાખીઓની વસતીમાં ૮૯ ટકાનો દ્યટાડો નોંધાયો હતો. આના પગલે વિશ્વભરમાં ચિંતાનું મોજુ ફેલાયું હતું અને મધમાખીઓને બચાવી લેવા માટેના ઉપાયો કરવા પર ભાર મુકાયો હતો. દુનિયામાં ૨૦,૦૦૦ પ્રજાતિની મધમાખીઓ જોવા મળે છે. મધમાખીઓ પૃથ્વી પર ૧૩.૫૦ કરોડ વર્ષથી વસવાટ કરે છે જયારે માનવોની વસતી માત્ર બે લાખ વર્ષથી છે.

 વિશ્વમાં ૯૦ ટકા વસતી જે ખોરાક ખાય છે એ તૈયાર કરવામાં મધમાખીઓનો સૌથી મોટો આધાર છે. મધમાખી મધ લેવા માટે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય છે અને એથી ફૂલોમાં પરાગનયનની ક્રિયા થાય છે. આના કારણે નર અને માદા ફૂલોમાં અંકુરણની પ્રક્રિયા થાય છે અને ફળ તૈયાર થાય છે. જો મધમાખી ના હોય તો ફળ અને શાકભાજી કે અનાજની ખેતી થઈ શકે નહીં.આમ આપણા ડાઇનિંગ ટેબલ પર જે ખોરાક આવે છે એના માટે આપણે મધમાખીનો આભાર માનવો જોઈએ. મધમાખીની એક કોલોની એક દિવસમાં ૩૦ કરોડ ફૂલોમાં પરાગનયનની પ્રક્રિયા પૂરી કરે છે.

 મધમાખીઓની વસતી પૃથ્વી પર દ્યણી ઝડપથી ઓછી થઈ રહી છે. એકલા અમેરિકામાં ગયા વર્ષે શિયાળામાં ૪૦ ટકા મધમાખી કોલોનીઓ નષ્ટ થઈ છે. આના માટે સૌથી મહત્ત્વનું કારણ વધી રહેલું શહેરીકરણ અને ખેતરોમાં કીટનાશકોનો છંટકાવ છે. આ સિવાય વાઇરસ અને બેકટોરિયાના કારણે મધમાખીઓની કોલોની નાશ પામી રહી છે. ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે દર વર્ષે પૃથ્વી પરથી ૨.૫ ટકાના દરે મધમાખી ઓછી થઈ રહી છે. આ દરે એ ઓછી થશે તો ૨૧૧૯ સુધીમાં એક પણ મધમાખી પૃથ્વી પર નહીં રહે.

 ખેતરોમાં છાંટવામાં આવતા કીટનાશકોમાં તમાકુમાંથી બનાવવામાં આવતી એક દવા નિકોટીનોઇડ્સનો વપરાશ મધમાખીઓ માટે ખતરનાક છે. આ કીટનાશક જયાં છાંટવામાં આવે ત્યાં મધમાખી બેસે એટલે એની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર થાય છે. એ પોતાની કોલોની સુધી માંડમાંડ પહોંચે છે.

 મધમાખી ના હોય એટલે ફૂલો પર પરાગનયન અને અંકુરણની પ્રક્રિયા બંધ થઈ જાય અને પરિણામે ફળ, શાકભાજી અને અનાજનું ઉત્પાદન બંધ થઈ જાય. સફરજન, દ્રાક્ષ, કોબી, ફ્લાવર, બદામ, ધાણા જેવી ચીજવસ્તુઓ મળવાની બંધ થાય. કોટનના પાકમાં મધમાખીની મોટી ભૂમિકા છે. મધ પણ મળે નહીં. બ્લૂબેરી અને ચેરી પણ ના થાય. લોકોને શાકાહારીના બદલે માંસ ભક્ષણ કરવું પડે અને તેથી પ્રાણીઓ અને માછલીઓ ખાવી પડે. જંગલો પણ મધમાખીના કારણે લહેરાતાં હોય છે. પશુઓ દ્યાસ અને વેલા ખાતાં હોય છે અને અંકુરણની પ્રક્રિયા ન થાય તો આવાં છોડ ઊગે નહીં અને પશુઓને પણ ખાવાનું ના મળે.

 અમેરિકાની પર્યાવરણ સંરક્ષક એજન્સીએ મધમાખીઓ બચાવવા કીટનાશકો વાપરવાની મનાઈ ફરમાવી છે. ગ્લોબલ સ્ટાર્ટઅપ્સે પણ મધમાખીઓ માટે એપ શરૂ કરી છે. કેલિફાર્િેર્નયાની સીડલેબે મધમાખીઓ માટે બાયોપેટીઝ નામનું એક ફૂડ તૈયાર કર્યું છે જે મધમાખીની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઇઝરાયેલની કંપની બીહીરોએ એવાં સેન્સર તૈયાર કર્યાં છે જે મધમાખીની તબિયત પર ધ્યાન રાખે છે. મધમાખીની કોલોનીમાં આ ગેઝેટ મૂકીને મધમાખીને થતા રોગની જાણકારી મળવે છે.

(4:03 pm IST)