Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આ છે 'મોતની ખુરશી', જે કોઈ બેસે છે તે જીવતું નથી બચતું

લંડન, તા.૧૨: શું તમે કયારેય 'મોતની ખુરશી' જોઈ છે? એક એવી ખુરશી કે જેના પર કોઈ વ્યકિત એકવખત બેસી જાય તો જીવતું નથી બચતું. આવી જ એક રહસ્યમય ખુરશી ઈંગ્લેન્ડમાં છે. આ ખુરશીને શાપિત ખુરશી પણ માનવામાં આવે છે.

આ ખુરશીને ઈંગ્લેન્ડના સર્કસ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ખુરશી જમીનથી લગભગ ૬ ફૂટ ઊંચી રાખવામાં આવી છે કારણકે કોઈ ભૂલથી પણ આ ખુરશી પર બેસે નહીં.

એવું કહેવાય છે કે આ રહસ્યમય ખુરશી થોમસ બસ્બી નામના એક વ્યકિતની છે. થોમસને આ ખુરશી એટલી પસંદ હતી કે તે કોઈને પણ આ ખુરશી પર બેસવા નહોતો દેતો. વર્ષ ૧૭૦૨માં આ ખુરશી પર થોમસના સસરા બેસી ગયા અને તેણે નારાજ થઈને સસરાની હત્યા કરી નાખી. પછી કોઈએ આ ખુરશી પર બેસવાની હિંમત કરી નહીં.

એવું કહેવાય છે કે થોમસે મરતી વખતે એવો શ્રાપ આપ્યો હતો કે જે કોઈ વ્યકિત આ ખુરશી પર બેસશે તો તેનું મૃત્યુ થઈ જશે. બીજા વિશ્વયુદ્ઘ દરમિયાન આ ખુરશીને એક પબમાં રાખવામાં આવી અને તેનું નામ હોટ સીટ રાખવામાં આવ્યું. પછી આ ખુરશી પર બેસતા લોકો મરવા લાગ્યા.

અત્યારસુધી અંદાજિત ૬૦ કરતા વધારે લોકો આ ખુરશી પર બેસવાના કારણે તેમનો જીવ ગુમાવી ચૂકયા છે. આજે પણ આ ખુરશીનું રહસ્ય કોઈ જાણી શકયું નથી.

(1:15 pm IST)