Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

એન્ડ્રોઇડ ડીવાઇસને નિશાન બનાવતા નવા માલવેરથી સાવધ રહેજો

લંડન તા. ૧૨ : તાજેતરમાં કેસ્પરસ્કાય લેબના સંશોધકોએ ઝૂપાર્ક નામનો એક માલવેર શોધી કાઢ્યો છે. આ માલવેર એન્ડ્રોઈડ ડિવાઈસીસને નિશાન બનાવે છે. ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં આ માલવેર વધુ સક્રિય જણાયો છે. સાયબર એટેક માટે વિવિધ વેબસાઈટ્સનો ઉપયોગ કરીને આ નવો માલવેર રાજકીય સંસ્થાઓ, એકિટવિસ્ટ્સ તેમજ અન્ય લક્ષિત પ્રદેશો પર નિશાન તાકે છે.

હાલમાં કેસ્પરસ્કાય લેબના સંશોધકોએ આ માલવેરની ભાળ મેળવી હતી. પ્રથમ દૃષ્ટિએ તો સામાન્ય માલવેર હોવાનું તેમને જણાયું હતું. પરંતુ તેના વિશે વધુ તપાસ કરવામાં આવતા આ ઝૂપાર્ક માલવેર મોટાપ્રમાણમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું. આ નવો માલવેર ઝૂપાર્કની વિવિધ એપ્સમાં સામેલ હોય છે અને તેના દ્વારા તે સમાચારો કે રાજકીય પક્ષોની વેબસાઈટ્સ સુધી પહોંચીને આગળ પોતાનો ફેલાવો કરે છે.

આ માલવેરને લઈ જતી કેટલીક એપ્સના નામ જણાવતા સંશોધકોએ કહ્યું હતું કે ટેલિગ્રામગ્રુપ્સ કે અલનાહરઈજિપ્ત ન્યૂઝ જેવી એપ્સમાં આ માલવેર હોઈ શકે છે. આ માલવેર એન્ડ્રોઈડ ડિવાઈસમાં પહોંચ્યા પછી તે કોન્ટેકટ્સ, એકાઉન્ટ ડેટા, કોલ લોગ્સ અને ઓડિયો રેકોર્ડિંગ્સને અસર કરી શકે છે. આ ઉપરાંત એસડી કાર્ડમાં રહેલી તસવીરો, જીપીએસ લોકેશન, એસએમએસ મેસેજિસ, ઈન્સ્ટોલ્ડ એપ્સની વિગતો, બ્રાઉઝર ડેટા, કિલોગ્સ તથા કિલપબોર્ડ ડેટા વગેરે પર કબજો જમાવી શકે છે. જયારે ગુપચુપ રીતે તે એસએમએસ, કોલ્સ કરવા કે વ્હોટ્સ એપ વગેરેને પણ અસર કરી શકે છે.

(12:37 pm IST)