Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ઇરાનના નાતાન્ઝ પરમાણુ મથક પર અચાનક વીજળી ગુલ થઇ જતા બન્યું ચર્ચાનું કારણ

નવી દિલ્હી: ઇરાનના નાતાન્ઝ પરમાણુ મથક ખાતે રવિવારે સવારે અચાનક વીજળી ગુલ થઈ જતા ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાઈટ પર તે યુરેનિયમ એનરિચમેન્ટ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ આ ઘટના બની હતી. કોઈ હુમલાના ભાગરૂપે આમ થયું છે કે કેમ તેની ખાસ્સી ચર્ચા છે. તેમાં કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી કે કોઇ ખુવારી થઇ નથી. ઈરાનના આ નવા કાર્યક્રમથી સમગ્ર રિજનમાં તંગદિલી વધવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને આવા સંજોગોમાં આ ઘટના બની છે. પ્રવક્તા બેહરોજ કમલવાંદીએ કહ્યું હતું કે નાતાન્ઝ પરમાણુ પ્રોજેક્ટના યુરેનિયમ સંવર્ધન એકમના વીજળી યુનિટના એક ભાગમાં દુર્ઘટના થઇ હતી. જોકે તેમાં કોઇ નુકસાન નથી. શરૂઆતમાં આ સાઈટને વીજળી પૂરી પાડી રહેલા ઈલેક્ટ્રિક ગ્રિડ ફીડિંગમાં સમસ્યાને કારણે બ્લેકઆઉટ થયું હોવાનું કહેવાયું હતું. આ સિવાય કોઈ માહિતી જાહેર કરાઈ ન હતી. જોકે ઈઝરાયેલના મીડિયામાં એવી વાત વહેતી થઈ હતી કે નતાન્ઝ ફેસિલિટી ખાતે સાઈબર એટેક થયો હતો જેને કારણે બ્લેકઆઉટ થઈ ગયું હતું. જોકે તેમાં પણ કોઈ આધારભૂત સ્રોત આપવામાં આવ્યો ન હતો અને મિલિટરી તથા ઈન્ટેલિજન્સ ઈનપુટને આધારે આમ કહ્યું હતું.

(6:09 pm IST)