Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

એઇડ્ઝ માટે રોજ ગોળીઓ લેવાની ખટપટ દૂર થશેઃ હવે મહિને ૧ જ ઇન્જેકશન લેવાનું

બંન્નેની અસરો સમાન માલુમ પડીઃ મંજુરી મળે એટલે બજારમાં મૂકવામાં આવશે

ગુરૂવારે રીસર્ચરોએ જણાવ્યું હતું કે એઇડ્સ ઉત્પન્ન કરતા વાઇરસને કંટ્રોલમાં રાખતી રોજ લેવાતી ગોળીઓ જેટલું જ અસરકારક મહિને લેવાનું એક ઇન્જેકશન છે.

જો અમેરિકા અને યુરોપમાં તે ઇન્જેકશનને મંજુરી આપવામાં આવશે તો એચઆઇવીની સારવાર લેતા લોકોને બીજો એક પર્યાય મળશે. ગોળી લેવાનું રોજ યાદ રાખવાની ઝંઝટમાંથી મુકિત મેળવવા ઇચ્છતા લોકો મહિને એક વાર ડોકટર કે નર્સ પાસે જઇને એક ઇન્જેકશન લઇ શકશે.

એચઆઇવીને રોકવા માટે કોન્ડોમ એ સૌથી સસ્તો અને સુલભ ઉપાય છે. દરરોજ ગોળી લેવાથી તે એચઆઇવીનું લેવલ એટલું નીચું રાખે છે કે તેના વાયરસો સેકસ પાર્ટનરમાં ટ્રાન્સમીટ નથી થતાંં પણ દરેક લોકો તેનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરતા હોતા.

જે લોકો ગોળી લેવાનું રોજ યાદ નથી રાખી શકતા તેમને આ ઇન્જેકશન બહુ મદદરૂપ થાય તેમ છે. આ ઉપરાંત ઇન્જેકશનનો બીજો મહત્વપૂર્ણ ફાયદો એ છેે તેનાથી દર્દીની અંગતતા જળવાય છે. મેડીકલ સ્ટોરમાં જઇને એચઆઇવીની ગોળીઓ લેવા કરતા ડોકટર પાસે ઇન્જેકશન લેવું વધુ ખાનગી રહે છે.

સાનફ્રાંસિસ્કો જાહેર આરોગ્ય વિભાગના ડો. હાયમન સ્કોટ કહે છે કે ઇન્જેકશનની કિંમત એક ઇસ્યુ બનશે. તેની કિંમત દરેકને પોસાય તેવી હોવી જોઇએ. જો કે હજી સુધી તેની કિંમત નક્કી નથી થઇ. એચઆઇવીની ગોળીઓ પણ અત્યારે તેના ડ્રગ કોમ્બીનેશન, વિમા કવરેજ, વળતર વગેરેના આધારે દર્દીઓને મહિને હજારો ડોલરમાં પડે છે. ઉપરાંત જો મહિને ઇન્જેકશન લેવાનું ભુલાઇ જાય તો એચઆઇવીના વાયરસ તેની સામે લડવા માટે સક્ષમ બનવાનું જોખમ પણ ઉભું થઇ શકે.

કોન્ફરન્સમાં નિષ્ણાંતોએ કહ્યું કે આ ઈન્જેકશન ખરેખર દર્દીના સેકસ પાર્ટનર પર અસર કરે છે કે નહીં તેનો અભ્યાસ થવાનો બાકી છે.

એચઆઇવીનો ચેપ ધરાવતા અને તેની સારવાર માટે ગોળીઓ લેતા ૬૧૬ લોકો પર એક અભ્યાસ થયો હતો જયારે બીજો અભ્યાસ ૫૬૬ એવા લોકો પર થયો હતો જેમણે સારવાર શરૂ નહોતી કરી.

બન્ને અભ્યાસમાં અડધા લોકોને ગોળીની સારવાર આપવામાં આવતી હતી અને બાકીના અડધા લોકોને ઇન્જેકશનની એક વર્ષ પછી એવું જાણવા મળ્યું કે બંન્ને ગ્રુપમાં ૧ થી બે ટકા લોકોના લોહીમાં એચઆઇવી વાયરસ જોવા મળ્યો હતો. જે બતાવે છે કે ઇન્જેકશન પણ ગોળીઓ જેટલું જ કામ કરે છે. અમુક લોકોએ આ અભ્યાસ દરમ્યાન ઇન્જેકશન લીધા પછી દુખાવાની ફરિયાદ કરીને અભ્યાસ માંથી બહાર થઇ ગયા હતા.

આ અભ્યાસ યુરોપ, ઉત્તર અમેરિકા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા,રશીયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરીયા, સ્વીડન, જાપાન અને મેકસીકોમાં કરાયો હતો.

(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:22 pm IST)