Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પેરિસમાં આવેલી ન્યુડ રેસ્ટોરન્ટને નિયમિત ગ્રાહકો ન મળતા ફેબ્રુઆરીમાં બંધ કરાશે

પેરિસ,તા.૧૧ પેરિસની પ્રથમ 'ન્યૂડ' રેસ્ટોરન્ટે ફેબ્રુઆરીમાં ગ્રાહકો માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 'ઓ નેચરલ' નામની આ રેસ્ટોરન્ટ વર્ષ ૨૦૧૬માં ૪૩ વર્ષના જોડિયા ભાઈઓ માઈક અને સ્ટીફન સાડા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટને જોઈએ એટલા ગ્રાહકો નિયમિત રીતે ન મળતાં માલિકોએ તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ રેસ્ટોરન્ટ લોન્ચ કરતી વખતે એકદમ યુનિક કન્સ્ટેપ્ટ પસંદ કરવા અંગે બંને ભાઈઓએ જણાવ્યું હતું કે, તેઓ લોકોને નિર્વસ્ત્ર રહીને જમતા સમયે પણ રોમાન્સ અને અંતરંગ આનંદની મજા માણવાનો અનુભવ કરાવવા માગે છે.

ઓ નેચરલ રેસ્ટોરન્ટનો કન્સેપ્ટ સૃષ્ટિને સમર્થન આપતાં લોકોને રાજધાની પેરિસમાં જમતા સમયે પણ તદ્દન નિર્વસ્ત્ર રહીને જમવાની સુવિધા પૂરી પાડવાનો હતો. આ ન્યૂડ રેસ્ટોરન્ટ ન્યૂડિસ્ટ બીચ કરતાં એકદમ અલગ હતી. કારણ કે ન્યૂડિસ્ટ બીચ પર માત્ર ઉનાળામાં જ લોકો જઈ શકે. જ્યારે આ રેસ્ટોરન્ટમાં લોકો વર્ષના ૩૬૫ દિવસ આવીને નિર્વસ્ત્ર રહેવાનો આનંદ માણી શકતા હતા.

ઓ નેચરલ રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો માટે કેટલાંક વિશેષ નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જેમાં રેસ્ટોરન્ટમાં પ્રવેશનારી દરેક વ્યક્તિ માટે કેમેરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ગ્રાહક જ્યારે અંદર આવે ત્યારે તેમને લોકર નામની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. જેથી લોકો આવીને પોતાના વસ્ત્રો ઉતારીને લોકરમાં મુકી શકે. આ સાથે જ રેસ્ટોરન્ટ ગ્રાહકોને પગમાં પહેરવા સ્લીપર પણ આપતી હતી અને મહિલાઓ માટે હાઈ હીલના ચપ્પલ પણ ઉપલબ્ધ હતા.

આ રેસ્ટોરન્ટની સૌથી રસપ્રદ બાબત એ હતી કે, અહીં કામ કરતા તમામ વેઈટર પૂરેપૂરા વસ્ત્રો પહેરીને લોકોને ભોજન સર્વ કરતા હતા. માત્ર રેસ્ટોરન્ટમાં જમવા આવતા ગ્રાહકોએ જ નિર્વસ્ત્ર બનીને જમવાનો આનંદ લેવાનો રહેતો હતો.

જોકે આ કન્સેપ્ટ પેરિસવાસીઓને વધુ પસંદ ન આવ્યો. રેસ્ટોરન્ટને નિયમિત રીતે જમવા આવતાં ગ્રાહકો મળતાં ન હતા. પરિણામે હવે બે વર્ષ બાદ માલિકોએ આ 'ન્યૂડિસ્ટ' રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

(4:18 pm IST)