Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017


ઉંદર ખાવા જતાં સાપ ફસાયો સોફટ ડ્રિન્કના કેનમાં

સીડની તા. ૧૧ :.. ઓસ્ટ્રેલીયામાં સેલી વિલ્સન નામના એક રેપ્ટાઇલ રેસ્કયુ વર્કરે સોફટ ડ્રિન્કના કેનમાં ફસાયેલા સાપનો વિડીયો અપલોડ કર્યો હતો. કોપરહેડ પ્રજાતિનો આ સાપ ઉંદરનો પીછો કરવા જતાં આ મુસીબતમાં ફસાયો હતો. સામાન્ય રીતે સાપ ગળી શકાય એના કરતાં મોટું પ્રાણી ગળી જાય તો એનો જીવ સંકટમાં મુકાય છે. જો કે આ વખતે સાપ એક ટચૂકડા ઉંદરની પાછળ જ પડયો હતો અને છતાં ફસાઇ ગયો હતો. ઉંદર જીવ બચાવવા એક સોફટ ડ્રિન્કના કેનમાં ઘુસી ગયો હતો અને સાપે એનો કોળિયો કરવા માટે કેનમાં મોં નાખ્યું. જો કે ઉંદર ગળ્યા પછી સાપ માટે કેનમાંથી બહાર નિકળવાનું મુશ્કેલ થઇ ગયું. નવાઇની વાત એ હતી કે એ છતાં સાપ ઉંદરને બહાર કાઢીને કેનમાંથી બહાર નીકળવાને બદલે એમ જ પડયો રહ્યો. આખરે રેસ્કયુ વર્કરોએ કેન કાપીને સાપને મુકત કર્યો ત્યારે એણે સૌથી પહેલાં ઝટપટ ઉંદરને ગળા નીચે ઉતારી દીધો હતો. આને કહેવાય સાપે છછૂંદર ગળ્યું.

(12:39 pm IST)