Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ડિવોર્સ પછી પૂર્વ પતિએ ઈમેલ કર્યોઃ મહિલાને પ્રેમ થયો ને ફરી લગ્ન કર્યા

એક દંપતીએ ૨૦૦૪માં લગ્ન કર્યા હતાઃ એ પછી બંને વચ્‍ચે મતભેદ થતાં ૨૦૧૫માં ડિવોર્સ કર્યાઃ એ પછી બંને વચ્‍ચે કેટલાય વર્ષો સુધી સંપર્ક રહ્યો નહીં: એક ઈમેલથી બંનેએ ફરી લગ્ન કર્યાં હતાં

સીડની,તા. ૧૧ : ઓસ્‍ટ્રેલિયાના ન્‍યૂ સાઉથ વેલ્‍સમાં રહેતી ડેનિલ કર્ટિસ અને ટિમ કર્ટિસની અનોખી લવસ્‍ટોરી ચર્ચાસ્‍પદ બની છે. ૨૦૦૨માં બંને ઓનલાઈન ડેટિંગના માધ્‍યમથી મળ્‍યાં અને બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ ૨૦૦૪માં લગ્ન થયાં. ૨૦૧૨ સુધીમાં બંને વચ્‍ચે મતભેદો થયા. ૨૦૧૫માં ડિવોર્સ લઈને છૂટા પડયા. ૧૦-૧૧ વર્ષના લગ્નજીવનના કારણે બંનેને ત્રણ સંતાનો પણ છે. ડિવોર્સ પછી ટિમ તેની રીતે સંતાનોને મળતો હતો અને મદદ કરતો હતો, પરંતુ પતિ-પત્‍ની વચ્‍ચે કોઈ વાત થતી ન હતી કે મુલાકાત પણ થતી ન હતી. બંને એક તબક્કે અલગ અલગ વ્‍યક્‍તિઓને ડેટ પણ કરવા લાગ્‍યા હતા.

અચાનક એક દિવસ ડેનિલે તેના પૂર્વ પતિ ટિમને ઈ-મેલ કર્યો. લગ્ન તૂટયા તે બદલ ડેનિલે ટિમની માફી માગી અને બાળકોના ઉછેરમાં ટિમની મદદ મળે છે તે બદલ તેનો આભાર માન્‍યો. આ ઈમેલનો ટિમે છ માસ સુધી કોઈ જવાબ ન આપ્‍યો. ડેનિલ પણ એ મેઈલને ભૂલી ઘઈ.

અચાનક એક દિવસ ડેનિલના ઈનબોક્‍સમાં ટિમનો મેઈલ હતો. ટિમે લખ્‍યું હતું: લેટ્‍સ મીટ એન્‍ડ ટોક. બંને એક રેસ્‍ટોરન્‍ટમાં મળ્‍યા. પહેલાં જેવી રીતે ડેટ કરતાં હતા એવું જ બંનેને લાગ્‍યું. ડેનિલને ટિમ પ્રત્‍યે ફરીથી પ્રેમનો અનુભવ થયો. થોડા મહિના બાદ સાથે રહેવાનું શરૃ કર્યું અને ૨૦૧૯માં સંતાનોની હાજરીમાં બીજી વખત લગ્ન કર્યાં. એક ઈન્‍ટરવ્‍યૂમાં ડેનિલે આ લવસ્‍ટોરી જણાતી તે પછી આ અનોખા લગ્ન, ડિવોર્સ અને લગ્નનો કિસ્‍સો ચર્ચાસ્‍પદ બન્‍યો છે.

(10:41 am IST)