Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઓફિસના સમય પછી બોસે મેસેજ કરવો ગેરકાયદેસર : પોર્ટુગલમાં બન્યો કડક કાયદો

પોર્ટુગલની સંસદમાં પસાર કરાયેલા નવા નિયમો હેઠળ, જો કંપનીઓ ઓફિસ સમય પછી અને સપ્તાહના અંતે તેમના કર્મચારીઓને ફોન અથવા ઇમેઇલ કરે છે, તો તેમને દંડનો સામનો કરવો પડશે

નવી દિલ્હી,તા. ૧૧: બોસ માટે હવે ઓફિસ સમય પછી કર્મચારીઓને કોલ કે મેસેજ કરવો ગેરકાયદેસર ગણાશે. પોર્ટુગલમાં આ માટે કાયદો દ્યડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, જે બોસ તેના કર્મચારીઓને ઓફિસ સમય શરૂ થતા પહેલાં અથવા પછી કામ માટે કોલ/મેસેજ અથવા ઈમેલ કરે કરશે તેને સજા કરવામાં આવશે.

પોર્ટુગલની સંસદમાં પસાર કરાયેલા નવા નિયમો હેઠળ, જો કંપનીઓ ઓફિસ સમય પછી અને સપ્તાહના અંતે તેમના કર્મચારીઓને ફોન અથવા ઇમેઇલ કરે છે, તો તેમને દંડનો સામનો કરવો પડશે. કોવિડ-૧૯ મહામારી પછી વર્ક ફ્રોમ હોમ કલ્ચરથી વધતા કામ બાદ દેશના શાસક પક્ષ દ્વારા આ નવો શ્રમ કાયદાઓ રજૂ કરવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ કંપનીઓએ ઘરેથી કામ દરમિયાન વીજળી અને ઇન્ટરનેટ બિલ વગેરે પણ ચૂકવવા પડશે. નવા નિયમ અનુસાર, જો કર્મચારીનું બાળક નાનું છે, તો બાળક ૮ વર્ષની ઉંમરનું થાય ત્યાં સુધી દ્યરેથી કામ કરી શકશે. જોકે, પોર્ટુગલના શ્રમ કાયદામાં આ સુધારો દસથી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓને લાગુ પડશે નહીં.

પોર્ટુગલના શ્રમ અને સામાજિક સુરક્ષા મંત્રી અના મેન્ડેસ ગોડિન્હો કહે છે કે કોરોના મહામારીના યુગમાં ઘરેથી કામ કરવું એ નવી વાસ્તવિકતા બની ગઈ છે. એટલા માટે રિમોટ વર્કિંગને વધુ સરળ બનાવવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે યુરોપના ઘણા દેશોમાં સમાન કાયદાઓ અસ્તિત્વમાં છે. ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્લોવાકિયામાં આવા શ્રમ કાયદાઓને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં પોર્ટુગલમાં કર્મચારીઓને ફિટ અને સ્વસ્થ રાખવા માટે સરકારે આ પહેલ કરી છે.

(10:00 am IST)