Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અશાંત બલુચિસ્તાનમાં વિદ્રોહીના સતત હુમલાથી ચીન-પાકિસ્તાનમાં ચિંતા

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ વિદ્રોહીના સતત હુમલાથી ગભરાયેલા ચીન અને પાકિસ્તાને ગ્વાદર પોર્ટને ચાઈના-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઇસી)નું કેન્દ્ર બનાવવાની યોજના પડતી મૂકી છે. ચીનના સીપીઈસી પ્રોજેક્ટ તેનો બેલ્ટ એન્ડ રોડ યોજનાનો હિસ્સો છે. ચીન અને પાકિસ્તાનની વચ્ચે હમણાં કરાંચી પોર્ટને વિકસિત કરવાની યોજના પર તાજેતરમાં હસ્તાક્ષર થયા છે. કરાંચી શહેર સિંધ પ્રાંતની રાજધાની અને પાકિસ્તાનની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. જાપાની અખબાર 'નિક્કેઈ' અનુસાર પાકિસ્તાન તરફથી જાહેર કરાયેલી સૂચના અનુસાર ચીન લગભગ સાડા ત્રણ અબજ ડોલર આ યોજના પર ખર્ચ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ આ અહેવાલની પુષ્ટિ કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ કરાંચી પોર્ટનું વિસ્તરણ, માછલી પકડવા માટે અન્ય પોર્ટનું નિર્માણ અને 640 હેક્ટરના વિસ્તારમાં વ્યાપારિક ઝોનની સ્થાપના કરવાની બાબત સામેલ છે. એમાં એક પુલ પણ બનાવવામાં આવશે, જે કરાંચી પોર્ટને મનોરા દ્વીપ સાથે જોડશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કરાંચીને સીપીઈસીમાં સામેલ કરવાની બાબતને ગેમચેન્જર ગણાવી છે. ઈમરાનખાને ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રોજેક્ટથી અમારા માછલી પકડતા લોકો માટે દરિયાઈ વિસ્તાર ચોખ્ખો કરવામાં મદદ મળશે. ઉપરાંત ઓછી આવક ધરાવતા લોકો માટે 20 હજાર ઘર બનાવવામાં આવશે. સાથે જ રોકાણકારોને નવી તક મળશે. આના લીધે કરાંચી વિકસિત શહેરોમાં સામેલ થશે.

(5:42 pm IST)