Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પ્લાસ્ટિક સર્જરી પછી આ મહિલાની ઉંઘમાં પણ આંખ ખુલ્લી રહે છે

બીજીંગ તા. ૧૧ ઉ ચીનના હેનાન પ્રાંતના ઝેન્ગઝોઉમાં રહેતી એક મહિલા આંખનાં પોપચાંને વધુ સુંદર બનાવવા માટેની કોસ્મેટિક સર્જરી કરાવવા જતાં ઊલમાંથી ચૂલમાં પડી હતી. ચીનમાં આ પ્રકારની સર્જરી ઘણી ફેમસ છે જેમાં કોસ્મેટિક પ્રક્રિયા દ્વારા કૃત્રિમ રીતે ઉપરના પોપચા પર પશ્ચિમી શૈલીની ક્રીઝ બનાવાય છે. માત્ર મા નામે ઓળખાતી આ મહિલાએ પહેલી વાર સર્જરી કરાવી તો ધાર્યું પરિણામ ન મળ્યું એટલે તેણે બીજી વખત એ જ પ્રક્રિયા કરાવી. જોકે બીજી વારમાં તો હાલત સાવ બગડી. તેની આંખ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ.

હવે તો આ બહેનની આંખો પૂરી બંધ પણ નથી થતી. તે સૂતી હોય ત્યારે પણ આંખો અધખુલ્લી જ રહે છે. બીજા ઓપરેશન પછી તે પોતાની આંખો બંધ કરી શકતી નથી. ભારે પવનમાં તેની આંખોમાંથી આંસુ નીકળવા માંડે છે અને છેલ્લા એક વર્ષથી તે પોતાની આંખ બંધ કરવા માટે ટેપનો ઉપયોગ કરે છે. આ સર્જરીમાં રહેલી ભૂલ સુધારવા તેને પ્લાસ્ટિક સર્જરી કરી આપનાર હોસ્પિટલ તરફથી બે વિકલ્પ સૂચવવામાં આવ્યા; એક, ફરી એક વખત સર્જરી કરાવવાની અને બીજો વિકલ્પ, તેણે ચૂકવેલા પૈસામાંથી ચોથા ભાગના પૈસા પાછા મેળવવાના. જોકે બન્ને વિકલ્પ માટે તેણે માફીનામા પર સહી કરવી અનિવાર્ય છે, જે હોસ્પિટલને ઓપરેશનની ભાવિ જવાબદારીઓમાંથી મુકત કરે છે. એનો એક અર્થ એ પણ થાય કે ભવિષ્યમાં તેમને કોઈ પણ તકલીફ થાય તો તે હોસ્પિટલનો સંપર્ક કરી શકે નહીં.

(3:30 pm IST)