Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

માજી ૯૯ વર્ષ મસ્ત જીવ્યાં, પછી મોત આવ્યું અને દેહદાન કર્યુ ત્યારે ખબર પડી અંદરના અવયવો ઉલટાપુલટા હતા

ન્યુયોર્ક, તા.૧૧: અમેરિકાના પોર્ટલેન્ડના મોલાલા ટાઉનમાં રહેતાં રોઝ મારી બેન્ટલી નામનાં બહેન ૯૯ વર્ષની જૈફ વયે અવસાન પામ્યાં ત્યારે તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના શરીરનું મેડિકલ યુનિવર્સિટીમાં દેહદાન કરી દેવામાં આવ્યું. જોકે સંતાનોએ ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં તેમનું દેહદાન કર્યુ એના થોડાક દિવસ પછી યુનિવર્સિટીના અભ્યાસુઓએ રોઝના દીકરાને ફોન કર્યો. વાત એમ હતી કે જયારે તેમના દેહ પર ડિસેકશન કરીને મેડિકલના વિદ્યાર્થીઓને હાર્ટની રચના અને એમાંથી નીકળતી ધમની અને શિરાઓ વિશે સમજાવવામાં આવી રહ્યું હતું ત્યારે પહેલાં તો ખુદ પ્રોફેસર ગોટે ચડી ગયા. જયાં ધમની હોવી જોઇએ ત્યાં શિરા હતી અને જયાં શિરા હોવી જોઇએ ત્યાં ધમની હતી. એ પછી ડો ડોકટરે તેમના આખા શરીરના આંતરિક અવયવો વિશે તપાસ્યું તો ખબર પડી કે તેમના પેટમાં જે અવયવો ડાબે હોવા જોઇએ એ ડાબે હતા. માત્ર હૃદય ડાબે હતું, પરંતુ એમાંથી નીકળતી રકતવાહિનીઓમાં ગરબડ હતી. યુનિવર્સિટીના પ્રોફેસરોને જાણવું હતું કે શું રોઝના પરિવારને આ વિશે ખબર હતી કે કેમ. જોકે તેમનાં સંતાનોને એ વિશે કંઇ જ ખબર નહોતી. બધા જ અવયવો ઉલટાપુલટા અને આકારમાં નિયત સાઇઝ કરતાં ઘણા મોટા હતા. ૯૯ વર્ષના જીવનમાં બહેનને કયારેય એને કારણે કોઇ જ તકલીફ નહોતી થઇ. ૯૯ વર્ષ જીવેલાં રોઝબહેન છેક સુધી ઘણું સ્વસ્થ જીવન જીવેલાં. પાંચ બાળકો તેમણે ઉછેરેલાં, પતિના ધંધામાં સક્રિય મદદ કરતાં હતાં અને સ્પોર્ટસમાં પણ તેઓ અવ્વલ હતાં. પાછલી વયે તેમને આર્થ્રાઇટિસની તકલીફ હતી એ સિવાય કોઇ મેજર બીમારી તેમની ખબર પૂછવા નહોતી આવી. પાંચ સંતાનો પછી જયારે તેમણે ગર્ભાશય કઢાવ્યું ત્યારે ડોકટરને તેમના પેટમાં એ અંગ જ નહોતું મળ્યું.

(3:37 pm IST)