Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લાકડા અને ખેતીના કચરામાંથી કપડાં બનાવવાની ટેકનોલોજી બની ફિનલેન્ડમાં

લંડન તા. ૧૧ :.. બટાટાની છાલ, ઘઉં-બાજરી કાઢયા પછી વધતા પૂળા અને જુના કપડામાંથી રીસાઇકલ કરીને નવું ફેબ્રિક બનવા લાગે એ દિવસો હવે દૂર નથી. ફિનલેન્ડની સ્પિનોવા નામની સ્ટાર્ટ-અપ કંપનીએ પર્યાવરણના સંરક્ષણ માટે ખેતીમાં થતી આડપેદાશ, કચરો, અને જુના ફેબ્રિકમાંથી નવું કાપડ બનાવી શકાય એવી ટેકનોલોજી વિકસાવી છે. ર૦૧૮ માં એની ફેકટરીની સ્થાપના કરવામાં આવી હતી. એમાં લાકડાના ભૂસા અને ખેતીના કચરામાંથી ફાઇબર બનાવવામાં આવે છે. આ ફાઇબરને વણીને એમાંથી કાપડ તૈયાર થઇ શકે છે. કોટનમાંથી કપડાં બનાવવા માટે ખૂબ પાણી વપરાય છે. કપાસ ઉગાડવા માટે ખૂબ મોટી માત્રામાં રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે. એટલે જમીનને પણ નુકશાન થાય છે. જયારે નવી તકનીકમાં કોઇપણ લાકડાના ભૂસાનો ઉપયોગ થાય છે અને વૃક્ષને સિંચાઇની જરૂર નથી હોતી. વૃક્ષ માટે ખાતર કે દવાઓ પણ નથી જોઇતી. કંપની હવે ગાજર, બટાટાના કચરામાંથી તેમજ ફાટેલાં જૂના કપડાંની પેસ્ટ બનાવીને એમાંથી પણ ફાઇબર તૈયાર કરવા મથી રહી છે. આવા નવતર પ્રયોગ માટે થઇને તાજેતરમાં સ્પિનોવા કંપનીને વર્લ્ડ ચેન્જિંગ આઇડિયાઝનો અવોર્ડ પણ મળ્યો છે.

(3:36 pm IST)